________________
28
જડાયું. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવા માટે આ કેટલો મોટો આપભોગ ! એક ખૂનખાર મહાયુદ્ધ રોકાઈ ગયું !” રાણી પદ્માવતીએ કહ્યું.
મેં તો મારા સ્વાર્થે કર્યું છે, મંત્રીશ્વર !” વાસવદત્તાએ કહ્યું : “મારા પિતાશ્રી યુદ્ધ વિના સમજે તેવા નહોતા. મારે તો એક તરફ હતા પતિદેવ, ને બીજી તરફ હતા પિતૃદેવ ! જય કે પરાજય બંનેમાં મને તો હાનિ જ હતી. યુદ્ધ-પ્રકારના જાણકાર પિતાજી જ્યારે જાણશે, કે મગધ અને વત્સ એક બન્યાં ત્યારે યુદ્ધનો નાદ છાંડી દેશે.”
“આહ ! સ્ત્રીઓ પર પણ સમર્પણ ભાવનાએ કેવું પ્રાબલ્ય જમાવ્યું ! હવે પૃથ્વી પર સ્વર્ગ ઊતરે તો નવાઈ નહિ ! રાજા ઉદયન ભાવાવેશમાં આવી ગયા.”
“અરે, મારા પૂજ્ય પિતાશ્રી અવંતીપતિને મારા મૃત્યુના સમાચાર મળ્યા હશે. બધી વાતમાં કઠોર પણ મારી વાતમાં કોમળ એવા મારા પિતાશ્રીને મારા જીવિતની વધામણી સત્વર મોકલો.” રાણી વાસવદત્તાએ કહ્યું..
એમ શા માટે ? તેડાવો મગધના નાથને અહીં, અને ચાલો આપણે અવંતીનાથનું આતિથ્ય માણવા જઈએ.” રાણી પદ્માવતીએ કહ્યું.
પણ અવંતીપતિને જોયા છે ?”
“ચિંતા નહિ ! પ્રેમના સિંહાસન પર શિરકમળ પડે તોપણ શું ? પૃથ્વી એ તો પડઘો છે; શું આપણાં પ્રેમભર્યા હૈયાંની કંઈ પડઘો એ હવામાં નહિ પડે ?”
“શા માટે નહિ ? આખરમાં તો એ પણ માનવહૃદય છે !” રાજા ઉદયને સંમતિ આપી.
મરીને માળવો લેવાની રીત
કેટલીક વાર બહુ ઝંખનાપૂર્વક હાથમાં આવેલો લાડવો હાથમાં ને હાથમાં રહી જાય છે, અનેક કોશિશ કર્યા છતાં એ મોંમાં મૂકી શકતો નથી. જેનું મૃત્યુ સદા વાંચ્છવું હોય એવા શરણે આવેલા શત્રુને મારવાની વાતો તો દૂર રહી, પણ સુખથી મેર પણ કહી શકાતું નથી. ત્યાં ને ત્યારે, મનુષ્ય-હૃદયમાં છુપાયેલ આશાસ્પદ દિવ્ય નિગૂઢ પ્રેમતત્ત્વની ઝાંખી થાય છે. ચંડપ્રકૃતિના રાજા પ્રદ્યોતના વિષયમાં પણ એમ જ બન્યું.
અજબ મળ્યા હતા વર્તમાન ! સિંહના મુખમાં સ્વયં શિકાર ચાલ્યો આવતો હતો. ભડભાગી હતો અવંતીપતિ પ્રદ્યોત. એ માત્ર સંકલ્પ કરતો ને સિદ્ધિ થઈ જતી. એનાં આચરણ અને એની સિદ્ધિ જોઈ ઘણા માણસોને સત્કર્મ પરથી શ્રદ્ધા ઓછી થઈ જતી. અરે, નીતિ, ન્યાય, ધર્મ, પુણ્યથી ડરી ડરીને આપણે મરી ગયાં, છતાંય કંઈ કાજ ન સર્યા, ને આ તો બધું નેવે મૂકીને બેઠો છે, તોય કેવી મોજ કરે છે ! કાલે સ્વર્ગ મળશે એ આશામાં આપણી ‘આજ' વેદનાની ભઠ્ઠી બની છે, ને આ તો કાલ ભલે ગમે તેવી ઊગે, પણ આજ તો સ્વર્ગ માણી રહ્યો છે !
પણ માન્યતા ને વાસ્તવિકતા વચ્ચે ઘણો ફેર હતો. ધન, સત્તા, શક્તિ ને સંપત્તિ – જેને સંસાર સુખનું કારણ માનતો – એના જ કારણે રાજા પ્રદ્યોત દુઃખી દુઃખી હતો. ધન વધ્યું એમ તૃષ્ણા વધતી ચાલી હતી. ભરેલી તિજોરી એને સદા અધૂરી જ લાગ્યા કરતી. સત્તા વધી એમ એમ પોતાની સીમાભૂમિ નાની લાગવા માંડી હતી. શક્તિ વધી એમ એમ શત્રુતા પણ વધતી ચાલી હતી. એટલે રેશમના કીડાની જેમ રાત ને દહાડો એ પોતાના તાંતણે પોતે જ વીંટાવા લાગ્યો હતો. મોટાઈનો ભાર એવો હતો કે હૈયાનો ભાર ઓછો કરી શકાતો નહિ.
190 | પ્રેમનું મંદિર