Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 105
________________ પોતાની સબળતાને શોભાવશે ? સંસારના દાવાનળને પોતાના તપત્યાગથી કયો રાજા ક્યારે બુઝાવશે અને એ રીતે રાજાના વર્તનના અનુકરણમાં માનનારી પ્રજા સામે એક અદ્ભુત આદર્શ રજૂ કરશે ?” ભગવાનનો ઉપદેશ સાંભળી રાજા ઉદયન ભરી પરિષદામાં ખડા થયા ને બોલ્યા : “હું અભીતકુમારને ગાદી ઉપર સ્થાપન કરી દીક્ષા લેવા ઇચ્છું છું.” “આટલી જવાબદારીવાળો રાજા આટલો ઉતાવળો !” અવંતીપતિએ વચ્ચે કહ્યું. “ઉતાવળ તો ખરી જ ને ? મૃત્યુ કઈ પળે આવીને માણસને દબાવી બેસશે. એનો ક્યાં કોઈને ખ્યાલ છે. એ તો આજની ઘડી રળિયામણી ! આજ્ઞા લઈને પાછા ફરતા રાજા ઉદયનને વિચાર આવ્યો કે મારે સગે હાથે પુત્રને શા માટે આ જંજાળમાં ફસાવું ? આજના રાજ કાજમાં તો મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તી રહ્યો છે. એમાં એકનો વધારો કાં કરું ? એના કરતાં એક સમર્પણશીલ આત્માનો વધારો શા માટે ન કરું ? અને એણે પુત્રને બોલાવ્યો ને રાજ કાજના ખૂની મામલા વિશે સમજાવ્યું. તેમ જ એક સદગૃહસ્થ તરીકે જીવીને પોતે વધુ સાધી શકશે, તે કહ્યું. અભીતિકુમારનું મન એ વખતે તો માની ગયું. રાજા ઉદયને મંત્રીમંડળને બધી વાત કહી. તેઓએ રાજાના ભાણેજ કેશીકુમારને રાજગાદી પર સ્થાપન કર્યો અને રાજા ઉદયન તે જ દિવસે સર્વસ્વ ત્યાગીને પ્રવજ્યા લઈને ચાલી નીકળ્યા. અભીતિકુમાર રાજ્યમાં રહ્યો, પણ થોડા દિવસમાં એનું મન માયામાં લોભાયું : હાથમાં આવેલી અનેક ભવનાં પુણ્ય પ્રાપ્ત થનારી આ દોમદોમ સાહ્યબી શું કામ છોડી દેવી ? એણે પોતાની ગાદી મેળવવા પ્રયત્ન કર્યો, પણ સહુએ કહ્યું : “રાઈના ભાવ રાતે ગયા !' એ રિસાઈને બીજે ચાલ્યો ગયો, ને પોતાનું રાજ મેળવવા ખટપટ કરવા લાગ્યો. રાજર્ષિ ઉદયન જંગલોમાં વિહરતા ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો; લૂખો-સૂકા અન્નનો આહાર કરવા લાગ્યા. ક્યાં રાજપાટ ને ક્યાં વનવગડા ! ક્યાં બત્રીસાં પકવાન ને ક્યાં લુખાંસૂકાં અન્ન ! એમને સુકોમળ દેહમાં વ્યાધી થયો. વૈદ્યોએ દહીં લેવાની સલાહ આપી. રાજર્ષિ ઉદયન વીતાનગરની પાસેના ગોવાળોના વ્રજમાં આવીને રહ્યા. પણ રાજખટપટમાં પડેલા પુરુષો કમળાના રોગી હોય છે; તેઓ બધે પીળું ભાળે છે. તેઓએ વાત ઉડાડી કે રાજર્ષિ ઉદયન તપસ્વી જીવનથી કંટાળ્યા છે અને પોતાનું રાજ પાછું લેવા આવ્યા છે ! કોઈનું બૂરું ઇચ્છી પોતાનું ભલું ચાહનારા લોકોનો તો દુનિયામાં ક્યાં તોટો છે ? પણ કેશીકુમાર સરળ હતો. એણે પહેલાં તો કહ્યું : એમનું હતું ને એમને આપવામાં સંકોચ કેવો ?” પણ મંત્રીઓએ ધીરે ધીરે એની બુદ્ધિ ફેરવી નાખી. એ પણ માયાનો પૂજારી બની ગયો અને માયાનો પૂજારી બન્યો એટલે સગા મામાને શત્રુના રૂપમાં દેખવા લાગ્યો. પુનઃ એ જ મસ્યગલાગલ ન્યાયનું નાટક ભજવાનું શરૂ થયું. સહુ રાજર્ષિ તરફ ઝેરી નજરથી નિહાળવા લાગ્યા.” આ જગતમાં કોઈ માણસનો પેટમાં દીકરાદીકરીનો પણ-ક્ષણ એકનો ભરોસો કરવા જેવો નથી ! ક્ષમા-ઉદારતા થતાં તો થઈ જાય, પણ એનો જીવનભર પસ્તાવો થાય છે.” અવંતીપતિ વચ્ચે બોલી ઊઠ્યા. “મહારાજ , રાજર્ષિ ઉદયનને કંઈ પસ્તાવો થતો નહોતો, ઘૂંકેલું ગળવા, વમન કરેલું જમવા એ આવ્યા નહોતા. પણ કૂવાના દેડકા જેવા ભાણેજ કેશીકુમારને હાથીના પ્રચંડ રૂપનો શો ખ્યાલ હોય ! મંત્રીઓએ એક ગોવાલણને બોલાવી, ને એના દ્વારા દહીમાં ઝેર આપવાનો પ્રબંધ થયો, પણ રાજર્ષિ ઉદયન તો જીવન અને મૃત્યુનો પાર પામી ગયા હતા; અમૃત અને ઝેરનો ભેદ ભૂલી ગયા હતા, અને શાન્ત ભાવે વિહરી રહ્યા હતા. ગોવાળણ દહીં લઈને આવી ત્યારે નિર્મોહભાવે એ લઈ લીધું ને આરોગી ગયા. દેહનું મમત્વ વીસરી ગયા હતા; એમને દેહ આડખીલી રૂપ જ લાગતો હતો; પણ આયુષ્યના બંધ તૂટે ત્યારે ને ? એ બંધ તોડવામાં આ બધા નિમિત્ત બન્યા ! રાજર્ષિ ઉદયને તો સહુને ક્ષમા આપી, પોતે ક્ષમા લીધી, ને પ્રેમનું જીવંત મંદિર બની શાંતભાવે દેહત્યાગ કર્યો. એ તો પોતાનું કલ્યાણ કરી ગયા, પણ નગરીને માથે ઉગ્ર પાપના પડછાયા પથરાયા.” ચરપુરુષ વાત કરતાં થોભ્યો . અરે, રાજકાજમાં ઉગ્ર શું અને નરમ શું ? એમાં સુંવાળી ચામડી ન ચાલે. એ તો એવું ચાલ્યા જ કરે ! ધરમપુણ્ય પણ આ માટે જ કરી મૂક્યાં છે ને ? ઘડપણમાં ગોવિંદ ક્યાં જતા રહેવાના છે ?” “ના મહારાજ , મહાવીરની વાણી આવે વખતે યાદ આવે છે. તેઓ કહે છે, આ સૃષ્ટિનો નિયમ તો અવિચળ છે. આપણે કોઈ મરકી જેવી મહામારી જોઈ વિચારીએ છીએ કે કેમ આવી ? આપણે કોઈ વિનાશ, કોઈ પ્રલય, કોઈ સર્વનાશ જોઈ થંભી જઈએ છીએ ને કુદરતનો કોપ લેખી હાહાકાર કરીએ છીએ. પણ એનાં કારણોની શોધમાં પડતા નથી; અને પડીએ છીએ તો તરત કારણ શોધ્યા જડતાં નથી, પણ જરા આપણો જીવન-વ્યવહાર સૂક્ષ્મ રીતે નીરખીએ તો કેટલી હત્યાઓ, કેટલાં અનાચરો, અત્યાચારો ને દુવર્તનો આપણે ચલાવી રહ્યા છીએ, તેની સમજ પડે ! આ પૃથ્વીનો પ્રત્યેક કણ અદૃશ્ય એવા કોઈ નિયમથી નિયંત્રિત છે. ધર્મી પુરુષો તો માને છે, કે રજનો એક કણ પણ કર્મના નિયમ વગર ફરતો નથી. આપણી હિંસાનો પડઘો આત્મહિંસામાં આવે છે ! આટલી વ્યાખ્યા હું એ માટે કરું છું કે હજી રાજર્ષિ ઉદયનની ભસ્મ પણ પૂરી વીખરાઈ નહીં હોય, ત્યાં એકાએક શહેર પર ભયંકર વાવાઝોડું ચડી આવ્યું, પ્રલયના પવન છૂટ્યા, પૃથ્વીના બંધ તૂટ્યા, બારે મેઘ સામટા ઊમટ્યા; જોતજોતામાં આખું નગર સ્વાહા ! ન રહ્યો રાજા, ન રહી પ્રજા ! ન રહ્યાં સૈન્ય, ન રહ્યા શાહુકાર ! સૂકાને પાપે લીલાં પણ બળી ગયાં. સામુદાયિક પહેલો આદર્શ D 179 178 D પ્રેમનું મંદિર

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118