Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 83
________________ સંસારના તુષારાઘાતોથી સદાસર્વદા રક્ષવું ઘટે ! સંસારના રૂપ વિશેના આઘાતોથી આર્યા ચંદના જ સાવધ હતાં. એમ નહોતું; સાધ્વી-રાણી પોતે પણ સાવધ હતાં. કાંડાં પર કંકણ નહોતાં, કંઠમાં હાર નહોતા, મસ્તક પર કેશ નહોતા, માથા પર દામણી નહોતી, છતાં એવું કંઈક ત્યાં હતું કે જે ન હોવા છતાં બધું હતું. દેહછબીમાં રૂપજ્યોત્સ્નાની શોભા સદાકાળ વિલસી રહેતી. વત્સ દેશ પર જાણે એકસાથે બે મહામેઘની ઝડીઓ આજે વરસી રહી હતી : વર્ષાનો સ્વામી મહામેઘ પોતાનાં જળ ચોધારાં વરસાવી રહ્યો હતો. અભયના સ્વામી ભગવાન મહાવીરે અણપલળેલી મનોભૂમિને પોતાની ઉપદેશધારાઓથી પરિપ્લાવિત કરી મૂકી હતી. અહીં આત્માની વાત હતી. સભામાં કોઈ દ્રવ્યવંત હતું, તો કોઈ દ્રવ્યવિહોણું હતું. કોઈ સત્તાવંત હતું, તો કોઈ સેવાધન હતું. કોઈ સાંગોપાંગ દેહવાળું હતું, તો કોઈ એકાદ અંગ-ઉપાંગહીન હતું; પણ શ્રદ્ધાહીન ત્યાં કોઈ નહોતું. ઉપદેશધારાઓ અખંડ ભારે વરસી રહી. તડકો ઢળ્યો. સંધ્યાના મનોરમ પડદાઓ પૃથ્વી પર પથરાયા. રજનીરાણી નીલ રંગની સાડી ઓઢીને આવી, છતાં કોઈને અંધકારનો ખ્યાલ પણ ન આવ્યો કે અસૂરું થયાની કલ્પના પણ ન જાગી, આત્માનો અણદીઠ પ્રકાશ એટલો ઝળહળતો હતો કે ગગનાંગણે તારલા રમવા આવ્યા, તોય કોઈએ ઊભા થવાની કે જવાની ઇચ્છા ન સેવી. સૂર્ય એમની સમીપ ઝગમગતો હતો; ચંદ્ર એમના ભાલ પર સુમધુર ચાંદની ઢોળતો હતો. ભલા, આવા તેજપંથના પરિપંથીઓને અંધકારની કલ્પના કેમ આવે ? વિશ્વવીણાના તાર ન જાણે ક્યાંય સુધી રણઝણતા રહ્યા. આત્માના પરિપંથીઓ ન જાણે ક્યાંય સુધી મુગ્ધ બની બેસી રહ્યા. એ તાર થંભ્યા ત્યારે જાણે સહુ જાગ્યાં; જોયું તો ચારે તરફ અંધકાર ઘેરાઈ ગયો હતો ! ન એક જણે અકળામણમાં કહ્યું : “અરે ! હમણાં સુધી તો સૂરજનો પ્રકાશ હતો ને !" બીજાએ કહ્યું : “અરે ! પોતાની જ્યોત્સ્ના સાથે ચંદ્રદેવ અહીં જ હતા ને !” ત્રીજાએ કહ્યું : “વિશ્વવીણાના અમર નાદને ઝીલવા સ્વર્ગના દેવતા પણ આવે છે. દેવગણ સાથે આભને ઓવારેથી સૂર્યદેવ ને ચંદ્રદેવ પણ ઉપદેશ સાંભળવા આવ્યા હતા. એ હતા ત્યાં સુધી રાત કે દિવસ કંઈ ન સમજાયું.” ધન્ય વાણી ! ધન્ય જીવન ! કરતાં સભા વિસર્જન થઈ. શ્રોતાઓની શ્રેણીમાં સાધ્વી મૃગાવતી છેલ્લાં નીકળ્યાં. અવની પર ઘોર અંધકાર ઘેરાઈ ગયો હતો, પણ આ સાધ્વી-રાણીના હૃદયમાં લેશ પણ અંધકાર નહોતો. એ તો સ્વસ્થ ચિત્તે એ પોતાના વાસસ્થાને (ઉપાશ્રયે) 134 – પ્રેમનું મંદિર આવ્યાં. દ્વારમાં જ એમની ચિંતા કરતાં આર્યા ચંદના ખડાં હતાં. એમણે સાધ્વીરાણીને આવતાં જોઈને કહ્યું : “એક ઉંદરને જેટલો માર્કારનો ડર છે, એટલો રૂપવતી નારીને સંસારનો ડર છે.” મૃગાવતી મસ્તક નમાવી રહ્યાં, કંઈ ન બોલ્યાં, પણ એમની મુખમુદ્રા કહેતી હતી કે એમના અંતર પર બોલવાથીય વિશેષ પ્રત્યાઘાત પડ્યા હતા. આર્યા ચંદનાએ સાધ્વી સંઘના રખેવાળ તરીકે ઠપકો આપતાં વધારામાં કહ્યું : “કુલીન સ્ત્રીએ આટલી મોડી રાત સુધી બહાર રહેવું ન ઘટે !" એટલે શું સાધ્વી-રાણી અકુલીન ? ના, ના. દિવસને રાત કોણ કહે ? પણ આ તો જીવનમાં વગર વાંકે કરેલા અન્યાયોનો પડઘો હતો. રાજરાણી થઈને સૌંદર્યાભિમાની સમ્રાજ્ઞી થઈને પોતે જગત પર શા શા અન્યાયો નહિ ગુજાર્યા હોય ? આજે જીવનમાં સુકુમાર વૃત્તિઓને સ્થાન મળ્યું છે, એથી શું પૂર્વજીવનની સ્વાર્થી વૃત્તિઓનાં પાપ ભુંસાઈ જશે ? ના, ના. જગતને ચોપડે તો હિસાબ ચોખ્ખો છે ! લીધાદીધાની બરાબર પતાવટ થવી ઘટે ! મૃગાવતી એ આક્ષેપ શાંતિ ચિત્તે સહી રહ્યાં. અંતરમાં અનુતાપ જરૂર જાગ્યો, પણ એમણે કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. ચિત્તમાં પ્રાયશ્ચિત્તનું ઘમ્મરવલોણું આરંભાયું. આર્યા ચંદનાને આજ ખરેખર ભારે ચિંતા ઉપજી હતી. તેઓ જાણતાં હતાં કે જીવનના ગમે તેવા મજબૂત રથની એક નાની સરખી ખીલી પણ ઢીલી પડવી ન જોઈએ, નહિ તો ક્યારેક આખા રથને ઊંધો વાળી દે. એમણે વધારામાં કહ્યું : “રૂપ-લાવણ્યભરી સ્ત્રીએ સુકર્મોની જ્યાં આર્દ્રતા નથી, તેવા સ્થળ-કાળમાં ફરવું હિતાવહ નથી. જળ જ માછલી માટે ઉચિત છે; સ્થળ એને માટે મૃત્યુ છે. ઉપદેશમાં તો હું પણ હતી જ ને ! સમય થતાં ઊઠીને ચાલી આવી ! સ્ત્રીએ-અને તેમાંય રૂપવતી યુવાન સ્ત્રીએ–સંસારથી ખૂબ સાવધ રહીને ચાલવાની જરૂર છે.” શબ્દોમાં છૂપી આશંકા ને અનિશ્ચિત આક્ષેપ ભર્યાં હતાં. એનો પ્રત્યુત્તર આપી શકાય તેમ હતો; પણ એ તો આજના કાર્યનો પ્રત્યુત્તર થયો; પણ જેનો પોતાની પાસે પ્રત્યુત્તર નથી એ ગઈ કાલનાં કર્મોનું શું ? મૃગાવતી મૌનભાવે અંતરભાવમાં નિમગ્ન બન્યાં. ક્ષુલ્લક બનતા જતા અંતરને એમણે ચીમકી દીધી કે સુખ સંભાષણો ખૂબ ખૂબ માણ્યાં, તો દુઃખ વેઠતાં કાળજે ઘા કેમ વાગે છે ? જાણતાં નહોતાં રાણીજી, કે સુખ અને દુઃખ એ તો એક જ સિક્કાની બે બાજુ છે ? એ રાત ખુબ હૈયાવલોવણ નીવડી. આર્યા ચંદના આ નવાં સાધ્વી-રાણીનાં પ્રેમમંદિરની પ્રતિમા D 135

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118