________________
થયો : “અરે ! મારાથી વધુ જ્ઞાનીનો મેં તિરસ્કાર કર્યો !”
“આર્યા ચંદના ઊભાં થયાં, અને મૃગાવતીના ચરણમાં ઝૂકી પડતાં બોલ્યાં :
“આજ જાણ્યું કે જ્ઞાન વય કે વંશને જોતું નથી. મારો અપરાધ ક્ષમા કરો ! હિણાયેલા નિંદાયેલા વગોવાયેલા-ભારભૂત બનેલા રૂપે તમારો ઉદ્ધાર કર્યો ! હે રૂપજ્યોત ! તમારી જ્ઞાનજ્યોતને અપરાધી ચંદનાનાં વંદન !”
સાધ્વી-રાણી મૃગાવતી આગળ વધ્યાં, ને પોતાના પૂજનીય આર્યા ચંદનાને ઊભાં કરી બોલ્યાં : “નિરભિમાની આત્મા ! તમારા હૈયામાં પણ મારા જેવી જ્ઞાનજ્યોત પ્રગટી ચૂકી છે. પ્રાયશ્ચિત્ત ને નિરભિમાન વૃત્તિએ તમારો બેડો પણ પાર કર્યો છે."
આર્યા ચંદના એ શબ્દોનું સત્ય, અનુભવી રહ્યાં. એમના હૈયામાં પણ કોઈ ગહન જ્ઞાનાર્ણવ ઘૂઘવી ઊઠ્યો હતો. સત્, ચિત્ અને આનંદ !
138 – પ્રેમનું મંદિર
20
વત્સરાજ અને વનરાજ
વત્સરાજ અને ઉદયન રાજબાગમાં નવપરિણીતાઓ સાથે સ્વૈરવિહાર કરી
રહ્યા હતા. પૃથ્વી પર બકુલ, પારિજાતક ને બટમોગરાની સેજ પથરાઈ રહી હતી. રાણીજીનાં ક્યાં અનુપમ અંગો સાથે કઈ કુસુમકળીની સદશતા છે, એના પર રસભર્યો કાવ્યવિનોદ ચાલી રહ્યો હતો.
“સ્ત્રીના સૌંદર્ય ઉપર કાવ્યો રચાય, અને પુરુષને શું સૌંદર્ય જ નહિ, કે એનું કોઈ કાવ્ય જ રચે નહિ ?” રાણી અંગારવતીએ પ્રશ્ન કર્યો.
“પુરુષમાં વળી સૌંદર્ય કેવું ? આ કાળી કાળી દાઢી ! આ લાંબી લાંબી કર્કશ મૂછો ! આ કઠોર ને લોઢા જેવાં અંગો ! પુરુષને અને સૌંદર્યને શું લાગેવળગે, સુંદરી !” વત્સરાજ ઉદયને પોતાની જાત ઉપર વ્યંગ કરતાં કહ્યું.
‘સૌંદર્યના અનેક પ્રકારો છે. કાળા વાદળમાં પૂર્ણિમાનો ચંદ્ર કેવો શોભાભર્યો લાગે છે ! વત્સદેશનાં વિખ્યાત પદ્મિની રાણી મૃગાવતીનું સૌંદર્ય મહારાજના દેહ પર જ દમકી રહ્યું છે. એની પાસે તો કોઈ પણ રૂપવતી સ્ત્રીનું રૂપ પણ ઝાંખું પડે !” અંગારવતીએ કહ્યું.
“એ તો જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ ! રાણીજી, પુરુષ-કવિ સ્ત્રીનું સૌંદર્ય વખાણે, સ્ત્રી-કવિ પુરુષનું સૌંદર્ય વખાણે. જે જેને સુલભ નહિ, તે તેને વધુ પ્રિય !”
“વાસ્તવિક કહ્યું, મહારાજ ! અમને તમારું બળ પ્રિય લાગે, તમને અમારી સુકુમારતા આકર્ષક લાગે. પણ એ બે એકલાં હોય તો નિરર્થક, એટલે જ શાસ્ત્રમાં દાંપત્યનો મહિમા ગાયો લાગે છે. એકની ઊણપથી બીજાની પૂર્તિ થાય. સાંભળો મહારાજ, હું તમારી કવિતા કરું. સત્સંગનો આ પ્રભાવ છે. પારસના સ્પર્શે લોહ પણ સુવર્ણ થઈ જાય !”