________________
ધનુષટંકારથી વનને ગજવી રહ્યા.
રાણીના લીલા-કમળના મારથી ત્રાહ્યતોબા પોકારનાર વત્સરાજને ઉપરથી ધૂમ તપતો સૂર્ય, માર્ગનાં ઊંડાં નદી-નાળાં કે ભૂખ-તરસ હેરાન કરતાં નહોતાં. એમણે વનરાજનો બરાબર પીછો પકડ્યો હતો.
હાથી પણ અજબ હતો. આ જંગલમાં આવો હાથી કદી આવ્યો નહોતો. વત્સરાજનાં તાતાં તીર, પુષ્પ પરથી પાણીનું બિંદુ સરી પડે તેમ હાથીના દેહને સ્પર્શીને નીચે પડી જતાં. એની ગતિ પણ ખૂબ વેગભરી હતી.
પણ કાર્ય જેમ જેમ કઠિન થતું ગયું, તેમ તેમ રાજા ઉદયનનો ઉત્સાહ દ્વિગુણ થતો ગયો. ગજરાજ અને વત્સરાજ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી. વત્સરાજ ઉત્સાહમાં ને ઉત્સાહમાં સૈનિકોથી છૂટા પડી ગયા. મંત્રી યૌગંધરાયણ પણ એમના વેગને સાથ આપી ન શક્યા.
વત્સદેશની સીમા પણ ક્યારની પૂરી થઈ ગઈ, એનું પણ વત્સરાજને ભાન ન રહ્યું. શિકારીની સદા એવી જ ગત હોય છે. અવંતીની સીમમાં વત્સરાજનો પ્રવેશ થઈ ગયો.
હવે પેલો ગજરાજ કંઈક શિથિલ થયો હોય તેમ દેખાતો હતો. પ્રતિસ્પર્ધીને શિથિલ થયેલો નિહાળી રાજાને વિશેષ ઉત્સાહ વ્યાપ્યો. એ ખૂબ વેગથી આગળ વધ્યા. જોતજોતામાં ગજરાજનો ને વત્સરાજનો ભેટો થઈ ગયો. પણ ભેટો થતાં તો ભારે અજાયબી ઉપજાવે તેવી ઘટના ઘટી.
રાજા ઉદયને પોતાનું તેજસ્વી ખડગ ખેંચી ઘા કરવા જેવો હસ્ત ઉગામ્યો કે એકાએક વનરાજનું પેટ સાંચાકામવાળા સંપુટની જેમ ઊઘડી ગયું અને એમાંથી દશથી પંદર મલ્લો બહાર કૂદી આવ્યા.
વત્સરાજ ઉદયન તરત કળી ગયા કે પોતે કોઈ કુટિલ કાવતરાના ભોગ બન્યા છે. આ હાથી સાચો નહીં પણ યંત્રથી સર્જેલો છે. હવે ભાથામાંથી તીર ખૂટી ગયાં હતાં; વળી આટલો પીછો પકડવામાં ઘણી ખરી શક્તિ પણ ખર્ચાઈ ગઈ હતી; છતાં હિંમત હારે એ ક્ષત્રિય કેમ કહેવાય ?
વત્સરાજે યુદ્ધનું આવાહન આપ્યું. પંદર મલ્લોને એમણે દાવપેચથી હંફાવવા માંડ્યા, પણ ત્યાં તો અવંતીપતિના બીજા સૈનિકો પણ આવી પહોંચ્યા.
એકાકી વત્સરાજ ઘેરાઈ ગયા. થોડી વારમાં એમને પકડીને બધા મલ્લો યંત્રહાથી પર બેસીને ઊપડી ગયા.
યંત્ર-હાથી વેગમાં આગળ વધતો હતો. મહારાજ પ્રદ્યોતના આ સેવકો હતા. ઉદયનનું હરણ કરવાનું આ એક રાજકીય કાવતરું હતું.
142 D પ્રેમનું મંદિર
ક્ષિપ્રાનાં ઊંડાં જળ ઓળંગી એ હાથી ઉજ્જૈનીમાં પહોંચી ગયો, ને બધા રાજદરબારમાં ઉપસ્થિત થયા. મહારાજ પ્રદ્યોત સિંહાસને બિરાજ્યા હતા. એમણે ઉન્નત મસ્તકે ડગ ભરતા વત્સરાજનું શરમથી બાળી મૂકે તેવાં વેણથી સ્વાગત કરતાં કહ્યું :
“બિલ્લીબાઈ કેટલી વાર થી ચાટી જશે ! માતાએ છેવટે ભગવાનનું શરણ લઈ જીવ બચાવ્યો, હવે પુત્ર કોનું શરણ લેશે ?”
“અવંતીપતિ, ક્ષત્રિયજાયાને પોતાના ભુજબળ સિવાય કોઈનું શરણ ખપતું નથી, એ કેમ ભૂલી જાઓ છો ? વત્સરાજ ઉદયન એ કંઈ શીરા માટે શ્રાવક બનનાર અવંતીપતિ નથી !' હૈયામાં ક્રોધની જ્વાલા ભભૂકી ઊઠે તેવાં વેણ વત્સરાજ ઉદયને કહ્યાં. એમણે વીતભયનગરના ઉદયન રાજા સાથેની ઘટનાની યાદ આપી.
“છોકરા, નાના મોંએ વાત કરે છે ? પણ વત્સદેશની ગાદી પર તને સ્થાપન કરનાર કોણ છે, એ તું જાણે છે ? તારું આજનું અસ્તિત્વ કોને આભારી છે, એની તને ખબર છે ? ખબર ન હોય તો કોઈક વાર તારી રૂપાળી માને પૂછી જોજે ! અવંતીનાથની સત્તાને તો તું જાણે છે ને ? એ સત્તાની આમન્યા સ્વીકારવાની તૈયારી છે કે નહિ ? અવંતીપતિએ વિવેક ખોયો.
“આમન્યા વડીલોની હોય, શિરછત્રની હોય. ગઈકાલ સુધી મારા હૃદયમાં અવંતીપતિનું એ રીતે માનભર્યું સ્થાન હતું : આજ તો અવંતી અને વત્સ પ્રતિસ્પર્ધી બની સામસામાં ખડાં છે. પ્રતિસ્પર્ધીની આમન્યા સ્વીકારવી એટલે પરાજય સ્વીકારવો અને વત્સરાજ ઉદયન મૃત્યુ પહેલાં પરાજયને સ્વીકારતો નથી."
“તો અવંતીના કારાગારની દીવાલો અભેદ્ય છે.”
“ઉદ્યમી પુરુષાર્થને મન કશુંય અભેદ્ય નથી.”
“ઉદયન, તારા જેવો છોકરવાદ હું પણ હમણાં કરી જાઉં. મારો એક શબ્દ
જ આજે તને હતો-ન હતો કરી શકે. છતાં મારા જેવા કઠોર પુરુષના હૃદયમાં પણ માયાનો એકાદ અંશ છુપાઈ બેઠો લાગે છે. તારી માતા પર મેં એક વાર સ્નેહભાવ દાખવેલો. એ વેળા તો તારા હોઠ પરથી ધાવણ પણ સુકાયું નહોતું. એ વેળા તારી ડોકી મરડી નાખતાં મને વાર પણ ન લાગત. પણ મારામાં કંઈક દયાનો અંશ હશે. એ વખતે જેને જિવાડ્યો એને આજે મારું, એ કેમ બને ?”
“રાજ, મારી માતા આજે એવા પદે છે, કે કોઈ પણ ચર્ચાવિષયથી પર બન્યાં છે. રાજકાજનાં ભૂંડાં પરિણામો એણે સાક્ષાત્ નિહાળ્યાં. જે કાદવમાંથી એ તરી ગઈ એ કાદવમાં ખદબદ થતા જીવ આપણે છીએ. વાતભય નગરના રાજા ઉદયનની દયાથી જેમ એક દહાડો આપ જીવ્યા એમ મારું બન્યું હોય તો એમાં શરમાવા જેવું શું છે ? દયા એ માનવીનો ગુણ છે; દાનવનો તો નથી ને ? ભગવાન વત્સરાજ અને વનરાજ D 143