________________
જો કે જયભિખ્ખું જૈન કથાસાહિત્યનો આધાર લઈ નવલ-નવલિકા લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાની-મોટી નવલો અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા.ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમયુગનું ઐતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલો જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. ‘જયદેવ’ એ પણ ઐતિહાસિક ઘટનાનાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યનો ઠીક ઠીક પરિચય સાધ્યો ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય, ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વર્ણવ હોય તો ના નહિ ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શૃંગારભક્તિ જાણીતી છે. જ્યારે ‘જયદેવ'ના ‘સૌંદર્યપૂજા' પ્રકરણમાં વાચક એ શૃંગાર-ભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દૃઢ બને છે.
પણ આ વિષયમાં હું મારા વલણનો નિર્દેશ કરું તો તે અસ્થાને નહીં લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગોપી-કાના, કુમારસંભવમાંના ઉમા-મહાદેવના, અને ગીતગોવિંદમાંના રાધાકૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન શૃંગારને નથી માનતો ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પોષક. તેથી સહેજે જ જયભિખુએ લખેલ ‘જયદેવ' નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્ત મને ચર્ચા કરી, તેમનો દૃષ્ટિકોણ જાણી લીધો. મેં મારો પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખ્ખું એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શુંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણવર્ધક કાંઈક નવું જ આપશે.
જૈન કથા-સાહિત્ય માટે ઐતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાની-મોટી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક રૂચિને પોષે અને તોયે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડો ઉપકાર (જો એને ઉપકાર કહેવો હોય તો) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકો એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા-વસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પોતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથા-વસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે.
૬
આવા શોધક લેખકોને જૈન કથા-સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જેન કથા-સાહિત્ય એક રીતે સંતપ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દૃષ્ટિના બંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી કથાવસ્તુઓ સુયોગ્ય લેખકોના હાથમાં પડી નથી.
બીજી બાજુએ જે ગણ્યાગાંઠચા જૈન લેખકો હોય અને કાંઈક નવ-દૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દૃષ્ટિ ઘૂરતી હોય છે. જૂના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે. અને એ વાઘાઓમાં સહેજ પણ લંબાણ-ટૂંકાણ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે. પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જેનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એનો પ્રવેશ મુશ્કેલ બને, એટલે છેવટે લેખક-પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકો.
આ અને આના જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખ્ખએ પોતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યો છે. તેમણે જૈનેતર સુલેખકો સામે જૈન કથા-સાહિત્યમાંથી સારી સારી કથા-વસ્તુઓ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે, કે તમને જે રૂઢિબંધનો નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તો કોઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકો પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખએ બંને લક્ષ્યો કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યા છે એની સાબિતી એમના સાહિત્યનો વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જેન પરંપરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ ર્યા જે કરે છે.
મેં ઉપર કહ્યું જ છે, કે જયભિખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યનો આશ્રય લઈ અને સર્જનો કરતા રહ્યા છે. પણ આ ઉપરથી સહેજે એમ લાગવાનો સંભવ છે, કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથદૃષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારો એ ભ્રમ ભાંગ્યો. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતો પોતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી. પણ એ તો પ્રસંગવર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખોખું છે. જ્યારે તે કોઈ સિદ્ધાન્તની અને માન્યતાની