________________
વિલોચના
શરદ ઋતુની સુંદર સવાર હજી હમણાં જ ઊગી હતી. વત્સદેશની રાજનગરી કૌશાંબીનાં બજારોમાં વહેલી સવારથી જ ભારે ભીડ મચી હતી.
કૌશાંબીપતિ મહારાજા શતાનિક ગઈકાલે અંગદેશની પાટનગરી ચંપા પર વિજય મેળવીને પાછા ફર્યા હતા. એમણે ચંપામાંથી આણેલ માલ-મિલકત ને દાસદાસીઓ સૈનિકોમાં ને સામંતોમાં ઉદાર હાથે વહેંચી આપ્યાં હતાં. એની આપલે માટે બજારમાં ભારે ભીડ જામી હતી.
બજારમાં ક્યાંક રત્નજડિત મુગટ વેચાય છે. ક્યાંક નવલખા હાર વેચાય છે. અરે, પણે હીરાજડિત કાંસકીઓ પાણીના મૂલે જાય છે. સોનાના બાજઠ ને રૂપાના પલંગો મફતના ભાવે મળે છે. હીરચીર ને હાથી-ઘોડાં તો ઢોલે ટિંબાય છે. રૂપાળાં દાસ-દાસીઓનો પણ કંઈ મેળો જામ્યો છે ! દેશદેશથી ગ્રાહકો દોડ્યા આવે છે !
કૌશાંબીનાં આ બજારોમાં વિલોચન નામીચો વેપારી હતો. હજી ગઈ કાલની જ વાત છે. વત્સદેશના અધિપતિએ એને રીય ધ્વજ આપીને અર્ધકોટિધ્વજ બનાવ્યો હતો. પણ એ પછી તો, એણે જોતજોતામાં એટલો નફો કર્યો, કે મહારાજ વત્સરાજનો બીજો દરબાર ભરાય એટલી જ વાર, એણે સુવર્ણ ધ્વજ મેળવી કોટિધ્વજ જાહેર થવાની હતી.
વિલોચનની શાખ પ્રામાણિક વેપારી તરીકેની હતી. એની આંટ જબરી હતી. એને ત્યાંથી વહોરેલા માલ માટે કદી દાદ-ફરિયાદ ન આવતી. એ હતો પણ આખાબોલો. ગ્રાહકના મોઢા પર જ એ પોતાના માલની ખોડખાંપણ કહી દેતો અને છેવટે કહેતો :
શ્રીમાન, પશુ અને સ્ત્રીનાં રૂપરંગ જોવા કરતાં એની જાત-જાત જોતાં