________________
13
હાથનાં કર્યા હૈયે.
શરદઋતુનો હિમ જેવો ઠંડોગાર વાયુ જેમ ઉપવનોને ઊભાં ને ઊભાં બાળી નાખે છે, એમ માર્ગની તમામ હરીભરી ધરાને ઉજ્જડ કરતો રાજા પ્રદ્યોત મોટી સેના સાથે વત્સદેશ પર ચઢી આવ્યો છે અને દિવસોથી વત્સ દેશની રાજધાની કૌશાંબીને ઘેરો ઘાલીને પડ્યો છે.
ધીમે ધીમે કાલભૈરવ જેવા પ્રદ્યોતને તલવારના બળથી પાછો કાઢવો અશક્ય થતું જાય છે. નાની-નાની સૈન્ય ટુકડીઓ લડવા ગઈ તે ગઈ, પાછી ફરી જ નહીં. શત્રુના લકરનો તો જાણે મહાસાગર ઘૂઘવે છે. આ આગનાં થોડાં ઇંધન જેવાં વત્સદેશનાં સૈન્યો એને શું ભૂઝવી શકે ?
રાજા શતાનિક ભારે વિમાસણમાં પડ્યો છે. હાર ઉપર હારના સમાચાર અને મળી રહ્યા છે. એની ડાબી આંખ ફરકી રહી છે. અપશુકન પર અપશુકન એ જોઈ રહ્યો છે, પંખીઓ અમંગળ સ્વર કાઢે છે, ધજા પર ગીધ આવીને બેસે છે. શિયાળવાં આખી રાત ૨ડ્યા કરે છે. ધર્મધ્યાનનાં ગૃહોમાં નર્યા સાપ ફરતા દેખાય છે.
રાજ શાળાની ગાયોનાં દૂધ ઓછાં થઈ ગયાં છે. થોડા હણહણતા નથી. હાથીઓનો મદ ઝરવો બંધ થયો છે. કેવાં કારમાં એંધાણ ! ભયંકર કાળમૃત્યુની છાયાએ બધે સોપો પાડી દીધો છે.
રાજધાની રુદ્રની ક્રીડાભૂમિ જેવી વેરાન ભાસે છે. રાજા શતાનિક દિવસોથી મૌન છે. એને પોતે કરેલી ચંપાની લૂંટ યાદ આવે છે. ત્યાંના રાજા દધિવાહનને જે ક્રૂરતાથી માર્યો, એ ક્રૂર ઘટના સ્મૃતિમાં સજીવ થાય છે. ભરશેરીમાં ઘોડે બેસીને વિજેતાની છટાથી ઘૂમતાં ઘૂમતાં ત્યાંની પ્રજા પર પોતાના સૈનિકો દ્વારા ગુજરતા જુલમોને જે અહાસ્યથી વધાવ્યા હતા, એ યાદ આવે છે. અરે, એવી જ અત્યાચારોની
પરંપરા જોવાનો વખત પોતાને માટે આવી લાગ્યો ! પ્રદ્યોત ભારે ક્રૂર છે. એ વિનાશમાં કંઈ બાકી નહિ રાખે.
એક દિવસ રાજા શતાનિક કૌશાંબીના દુર્ગની દીવાલો પર ફરી રહ્યો છે. દૂર દૂર ઘુવડ ભારે ચિત્કાર કરી રહ્યું છે. પાછલી રાતનો ચંદ્ર રૂપેરી અજવાળાં ઢોળી રહ્યો છે. થોડે દૂર રણભૂમિ દેખાય છે.
ચારેકોર નાના નાના ટેકરા જેવી સૈનિકોની લોથો ઢળેલી છે. વૈશાખમાં કેસૂડે પૃથ્વી છવાઈ જાય તેમ ચોપાસની ધરતી રક્તવર્ણ બની ગઈ છે.
કેટલાક તાજા મૃત દેહોમાંથી હજી રક્તધારા વહી રહી છે. એની આજુ બાજુ માંસમજ્જાનો કાદવ છે, ને કપાયેલી ભુજા ને મસ્તકરૂપી મલ્યો એમાં તરી રહ્યાં છે. કેટલાક અર્ધમૃત સૈનિકોની આછી ચીસો કાનને સ્પર્શી જાય છે !
રાજા શતાનિક વ્યાકુળ બનતો ચાલ્યો. આકાશમાં પથરાયેલા તારાગણની જેમ ક્ષિતિજરેખા સુધી રાજા પ્રદ્યોતના સૈન્યના તંબુઓ પથરાયેલા પડ્યા છે. આ મહો કાળ રાજાને અને મહાસાગર સમી એની સેનાને કેમ કરી થંભાવી શકાય ? – રાજા. શતાનિક ભારે વિમાસણમાં પડી ગયા.
મહારાજ શતાનિક જેમ જેમ વધુ વિચાર કરતા ગયા, તેમ તેમ એ વધુ ને વધુ વ્યગ્ર બનતા ચાલ્યા. ફરતા ફરતા તેઓ દુર્ગ ઉપરના એક આવાસમાં જઈ પહોંચ્યા. એમણે ત્યાંના પહેરેગીરને હુકમ કર્યો, “મારે એકાંતની જરૂર છે. કોઈને મળવા માટે અહીં આવવા દઈશ નહિ.”
અંતર અસ્વસ્થ હોય ત્યારે એકાંત ભયાનક નીવડે છે. માણસના ચિત્તમાંથી એ વેળા શંકા કે કુશંકાની રાક્ષસીઓ અને ભય અને મૃત્યુના કાલભૈરવો છૂટીને ખંડને આવરી લે છે ! એકલો માણસ આટલી સેના સાથે કેમ કરીને બાખડી શકે ? માણસ મનોમન લડી, હારી, આપોઆપ થાકીને નિશ્ચષ્ટ બની જાય છે. રાજા શતાનિકનું એમ જ બન્યું.
આખો ભૂતકાળ આવીને સામે ઊભો રહ્યો.
અરે, આજ પોતાનો શ્વાસ પણ પોતાને ગંધાય છે. વિકૃતિ ને વિકારનું પાત્ર ભરાઈ ગયું છે. પૃથ્વી તો કોઈ અજબ ધારાધોરણ પર ચાલી રહી છે : જમણા હાથે વાવો અને ડાબા હાથે લણો ! કર્મનો એક કાચો લાગતો તાંતણો જગ આખાને નિયંત્રી રહ્યો છે. પછી કોણ રાજા કે કોણ રેક ! તમે તમારા સુકર્મોની શક્તિથી આજ સુધી એને ઠોકરે ચઢાવ્યો, પણ હવે સમય ભરાઈ ગયો. પાપ પહોંચી ગયાં. વિશ્વનો ન્યાયાધીશ, જેની પોથીમાં દયા-ક્ષમા નથી, જે દાંતને બદલે દાંત અને મસ્તકને બદલે મસ્તકે માગે છે, એનો ન્યાય ચૂકવવાની કાળવેળા આવી ખડી થઈ ગઈ !
હાથનાં ક્યાં હૈયે 1 89