________________
રાજવી અહિંસાને પ્રેમના પરિબળથી રણખેલનના ઉત્સાહમાં કાયર બની ગયો છે.”
બીજો દૂત પણ રવાના થયો. પણ એનું પરિણામ મંત્રીરાજે કહ્યું હતું એ જ આવ્યું. ચડપ્રદ્યોતે કહ્યું : “દૂત, પહેલા અને બીજા દૂતને શું જવાબ આપું ? હું તારા રાજાના ત્રીજા દૂતના આગમનની રાહ જોઉં છું, જે તારા રાજાનો સંદેશો લાવશે કે અમે તમને ક્ષમા કરજો. મિચ્છા મિ દુક્કડમ્ ! તારા રાજા તો રાજર્ષિ કહેવાય છે ને ! યુદ્ધ તો એમના ગજા બહારની વસ્તુ છે.”
‘મંત્રીરાજ !’ રાજા ઉદયનને કહ્યું; ‘હવે સૈન્ય સજ્જ કરો ! જુઓ, જેટલી હિંસા અલ્પ થાય તેટલું યુદ્ધ ખેલો. દ્વંદ્વથી કામ સરતું હોય તો તેમ કરો ! હું રાજા પ્રદ્યોત સાથે દ્વંદમાં ઊતરીશ.'
“મહારાજ, આપની ક્ષમા એ વેળા દર્શો દેશે."
“મંત્રીરાજ, સદ્ગુણોમાં શ્રદ્ધા રાખતાં શીખો. દુર્ગુણને કારણે મરીએ, એના કરતાં સદ્ગુણને કારણે મરવું બહેતર છે."
“અવંતીના રણમેદાનમાં રાજર્ષિ ઉદયન ને રાજા પ્રદ્યોત બે ભર્યા મેઘની જેમ બાખડી પડ્યા. પોતાની શક્તિ પર ગુમાન ધરાવનાર રાજા પ્રદ્યોત રાજર્ષિ ઉદયનના છંદ યુદ્ધના આહ્વાનને પાછું ફેરવી ન શક્યો, અને એનું ગુમાન ઊતરી જતાં વાર ન લાગી.
સાત્ત્વિક જીવન જીવનારા રાજાના વજ્રાંગ દેહમાં એવું બળ હતું કે હજાર છળપ્રપંચ જાણનારો આ કામી રાજા એને પરાસ્ત કરી ન શક્યો. જોતજોતામાં એ ચત્તોપાટ પડ્યો ને લોઢાની જંજીરોમાં જકડાઈ ગયો.
“રાજા ઉદયને અવંતીમાં પ્રવેશ કર્યો. એણે સાથે સાથે અમારિપડહ વગડાવ્યો અને જાહેર કર્યું કે, “નિર્દોષનું રક્ષણ કરવામાં આવશે. અમારી શક્તિથી કોઈ ભય ન પામે. અમારે અવંતીનું રાજ જોઈતું નથી !"
તરત બીજો હુકમ છૂટ્યો : “દાસીને હાજર કરો.”
થોડી વારમાં સમાચાર આવ્યા કે એ નાસી ગઈ છે.
“સારું થયું. ચાલો, દેવપ્રતિમાનાં દર્શને જઈએ.” રાજા છડી સવારીએ દર્શને ચાલ્યો. “દાસીએ પોતાના આ પ્રિય દેવ માટે રાજા પાસે ક્ષિપ્રાનદીના તટે સુંદર દેવાલય નિર્માણ કરાવ્યું હતું. રત્નપીઠિકા રચી એના પર એને બિરાજમાન કરી હતી. આરતી, ધૂપ, દીપ ને નૈવેદ્યની ઘટા ત્યાં જામી રહેતી."
જોતજોતામાં ઉજ્જૈનીના લોકો દેવમંદિર પાસે એકત્ર થઈ ગયા. તેઓએ કહ્યું : “હે રાજન, લોકો તમને રાજર્ષિના નામથી ઓળખે છે. તમારે મન શું વીતભય કે શું અવંતી ? અમે માગીએ છીએ કે અમને આ પ્રતિમા બક્ષિસમાં આપો. સ્થાપન
78_D_પ્રેમનું મંદિર
કરેલા દેવને ન ઉથાપો. અમે પણ પ્રેમથી એનાં ચરણ પખાળીશું ને આત્મભાવે પૂજીશું."
“રાજા ઉદયન પ્રજાના પ્રેમ પાસે નમી પડ્યો. એણે પ્રતિમાને પોતાની પ્રિય પત્નીના એ પુણ્ય સ્મારકને-ઉજ્જૈનીમાં જ રહેવા દીધું. એ ખાલી હાથે પાછો ફર્યો ને એણે પ્રદ્યોતને હાજ૨ કરવા હુકમ આપ્યો. થોડી વારમાં જંજીરોમાં જકડાયેલા રાજાને હાજર કરવામાં આવ્યો."
“અરે, એના લલાટ પર ‘દાસીપતિ’ શબ્દ ડામો ! જીવે ત્યાં સુધી ભલે સ્ત્રીઓ એનાથી ઘૃણા કરતી રહે. સંસાર એના કામાભિલાષને ભલે જાણે ! અને જ્યારે પણ અરીસામાં એ પોતાનું મુખારવિંદ નિહાળે ત્યારે પોતાના આ નિંદ્ય કર્મથી એને સદા લજ્જા આવતી રહે. આ રીતે નવા પાપકર્મથી કદાચ એ બચે તો સારું. છેવટે સારું એ બધું સારું.”
“થોડી વારમાં ધગધગતા સળિયા આવ્યા. રાજા પ્રદ્યોતના કપાળમાં ‘દાસીપતિ’ શબ્દો ચંપાઈ થયા. એ અભિમાની રાજાએ વેદનાનો ફૂંકારો પણ ન કર્યો.” રાજા ઉદયને કહ્યું, ‘ચાલો, એને આપણી સાથે લઈ લો. આપણી રાજધાનીમાં એ રહેશે.'
બીજે દિવસે અવંતીનો રાજઅમલ ત્યાંના કુશળ કાર્યવાહકોને સોંપી રાજર્ષિ ઉદયન પાછો ફર્યો. સેનાએ દડમજલ ફ્રેંચ શરૂ કરી.
ત્યાં તો અનરાધાર વરસાદ લઈને ચોમાસું આવ્યું. કૂચ માટેના રસ્તા નકામા થઈ ગયા. રાજાએ માર્ગમાં જ પડાવ નાખ્યો. શ્રાવણના દિવસો હતા. સાંવત્સરિક પર્વ ચાલતું હતું. ભગવાન મહાવીરના આ ભક્તે આઠ દહાડા માટે દાનધર્મ ને વ્રત, જપ, તપની રેલ રેલાવી. આજે એ પર્વનો અન્તિમ દિવસ હતો. રાજા ઉદયને સવારમાં જ જાહેર કર્યું.
“અમે આજ ઉપવાસ કરીશું; પણ એથી જે ઉપવાસ ન કરતા હોય તેને ભૂખ્યા ન મારશો."
“મહારાજ, બીજા તો સહુ આપને અનુસર્યા છે. વાત માત્ર રાજા પ્રદ્યોતની છે.” રાજના વડા રસોઇયાએ કહ્યું.
“વારુ, વારુ. એ ભોગી રાજાને ભૂખે ન મારશો. એને જે જમવાની ઇચ્છા હોય તે પૂછીને બનાવજો."
ગુરુ વાત કરતાં થોભ્યા.
શિષ્ય એકચિત્તે વાર્તા સાંભળી રહ્યો હતો, અને મહાનુભાવોનાં ચરિત્રોને અભિનંદી રહ્યો હતો.
અવંતીપતિ પ્રદ્યોત – 79