________________
“મેં કહ્યું : ‘તો તો અંતઃપુર વેશ્યાવાડા જેવાં જ બની જાય. પંઢ ચોકીદારો જ એના સાચા ને નિર્દોષ રક્ષકો છે. એક તો, એકાકી હોવાથી મરતાં સુધી અહીં પડ્યાપાથર્યા રહેવાના, અને પ્રેમ કરવાની શક્યતા દૂર થવાથી એ કોઈ લોભ-લાલચમાં નહીં સપડાવાના. વળી કુટુંબકબીલો નહિ એટલે જે મળે તેનાથી સંતોષ પામવાના. સ્ત્રીઓની રક્ષા માટે અથવા રાજાઓના વિશાળ અંતઃપુરોની રક્ષા માટે અન્ય કોઈનો ભરોસો ન રાખી શકાય.”
“એ વેળા મૃગાવતીએ શું કહેલું ? અરે, હું કેવો મૂર્ખ કે એ વેળા એની વાતનો મર્મ ન સમજી શક્યો ! મારા ચિત્ત ઉપર એના રૂપની મોહિની એવી પથરાયેલી હતી, કે એ રાત કહે તો રાત ને દિન કહે તો દિન સમજતો. એણે કહ્યું હતું : “સ્વામીનાથ, આપ સ્ત્રીને શું સમજો છો ? એ પણ શક્તિનો અવતાર છે. તમે માનો છો કે તમારાં જેલ જેવાં અંતઃપુરો ને પડદાઓથી એ સુરક્ષિત ને સંયમી રહે છે ? પણ એમાં તમે ભૂલ ખાઓ છો ! એ ધારે તો વજ્રના કિલ્લા પણ ભેદીને બહાર નીકળી શકે છે. ફૂલની જેમ કોમળ લાગતી સ્ત્રી અંદરથી વજ્ર જેવી હોય છે; પણ એની અંદર રહેલા એ કોમળ સ્ત્રીતત્ત્વથી એ પોતે રિબાય છે, પણ સામાને બનતાં લગી ડંખ નથી મારતી, એટલું યાદ રાખજો કે સ્ત્રી જો રહે તો આપથી ને જાય તો સગા બાપથી !”
“ને રાણીનાં એ વચનોને મેં ભોળા ભાવથી સ્વીકાર્યાં ! અરે, એના રૂપનો હું એવો દાસ બની ગયો હતો, કે એણે જે સારું ખોટું કહ્યું તેનો મેં સદા સ્વીકાર કર્યો ! હું કેવો મૂઢ ઘેટા જેવો કે એ મને દાસબજારમાં લઈ ગઈ ને મૂઢની જેમ હું એનો દોર્યો ત્યાં દોરવાયો. ને ત્યાં ફરતાં જે દશ્યો એણે મને બતાવ્યાં એ મેં જોયાં.”
“મેં વિચાર ન કર્યો કે દુનિયામાં કેટલીક વાતોમાં આંખ આડા કાન કરવા પડે છે. ને હું ન સમજ્યો કે દુનિયાનું ગાડું તો એમ જ ચાલે ! આ દાસદાસીઓનો વેપાર કંઈ નવો છે ? જમાનાઓથી ચાલ્યો આવે છે. શું અમારા કરતાં અમારા વૃદ્ધો ઓછા ડાહ્યા હતા ? એમને જોવાને આંખ, સાંભળવાને કાન ને સમજવાને બુદ્ધિ નહોતી ?”
“અરે, સંસાર આખો નિર્લજ્જ, નાગો ને નાલાયક છે. સારાં વસ્ત્રો પહેર્યાં, જરા સંસ્કાર ને શણગાર કર્યા એટલે શું સંસાર સુધરી ગયો ? મૃગાવતીના કેટલાક ગુરુઓ તો કહે છે, કે લડાઈ ન કરો, લશ્કર ન રાખો ! તો શું વળી કોઈ રાજા યુદ્ધ વિના રહી શકે ખરો ? યુદ્ધમાં સ્વર્ગ બતાવનાર પુરાણપુરુષો શું અક્કલ વગરના હતા ?
“જેમ કેટલુંક સાંભળ્યું-ન સાંભળ્યું કરવું જોઈએ એમ કેટલુંક જોયું ન જોયું કરવામાં સંસારનો સાર રહેલો છે. પણ સ્ત્રીની બુદ્ધિએ ચાલનાર મેં, મૃગાએ જે બતાવ્યું તે જોયું ! એણે મધલાળ જેવા શબ્દોમાં કહ્યું : ‘સ્વામીનાથ ! આ દાસબજારોમાં કેવાં વૃદ્ધિત કાર્યો ચાલે છે, તે તો જુઓ. રાજા જેમ પ્રજાની કમાણીના દશમા ભાગનો હકદાર છે, એમ એના પાપ-પુણ્યમાં પણ એનો હિસ્સો છે, અરે, ત્યાં 52 D પ્રેમનું મંદિર
જુઓ ! પેલા દેખાવડા દાસને પુરુષત્વથી હીન કરવાની કેવી ઘૃણિત ક્રિયા ચાલી રહી છે ! લાચાર પશુની જેમ કેવાં બોકાસાં એ પાડી રહ્યો છે ! ને ઉપરથી વધારામાં એને ચૂપ કરવા માટે કેવો માર મારવામાં આવે છે ! અરે, એ રીતે આ ગુલામની કિંમત વધારવામાં આવે છે. કારણ કે વિલાસિકાઓની રક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે ! અંતઃપુરોની અસૂર્યપશ્યા સુંદરીઓ ચોકી માટે રજવાડાં મોટાં મૂલ્ય આપી એમને લઈ જાય છે ! સદા અતૃપ્તને પરિણામે ખીજવાયેલા રહેલા આ દ્વારપાલો શ્રીમંત ગૃહસ્થોના ઘરોની ચોકી માટે ભારે સગવડભર્યા હોય છે. સંસારને એમણે કઠોર ને કદર્થ જોયો હોય છે, એટલે મરેલા આત્માવાળા આ દાસોને ગમે તેવું કઠોર
કે કદર્ય કામ કરતાં આંચકો આવતો નથી !” અને રાજાના ડહોળાયેલા હૃદયજળમાં શંકાનાં સાપોલિયાં ઘૂમી રહ્યાં. વિચારણા આગળ વધી :
“રાણીએ કહ્યું : “સ્વામીનાથ ! કેવળ જુવાન પર જ નહિ, નાનાં ગુલામ બાળકો પર પણ આ ઘૃણિત અત્યાચાર ગુજારવામાં આવે છે. મોટી ઉંમરના દાસ પર એ ક્રિયા કરતાં ઘણી વાર શસ્ત્રના તીક્ષ્ણ ઘાથી એ મૃત્યુ પામે છે, જ્યારે નાનાં બાળકોમાં એ ક્રિયાથી મૃત્યુ પ્રમાણ ઓછું આવે છે. સંસારમાં જાણતાં કે અજાણતાં કરેલાં કર્મનો બદલો માનવીને અવશ્ય મળવાનો છે, એ વાત આપનાથી ભુલાઈ ગઈ છે.
“વાહ રે પુંચલી ! રાણી, મેં તારી મીઠી મીઠી વાતોને સાચી માની લીધી ! એમાં પેલી દાસી ચંદનાનો પ્રસંગ બની ગયો. ન જાણે ભગવાન મહાવીરે શા કારણે એના હાથે ભિક્ષા લીધી હશે ! કદાચ એમના મામાની દીકરીની દીકરી થાય એટલે
લીધી હોય, મહાયોગી તો વર્ષોથી મૌન છે, પણ એમના મૌનનો આ બધાંએ જૂઠો અર્થ તારવીને સૌને બનાવ્યાં ! અરે, હું પણ કેવો મુર્ખ કે સમસ્ત વત્સદેશમાં ગુલામીના વેપારની બંધી માટે રાજ-આજ્ઞા કાઢવા માટે તૈયાર થઈ ગયો. બેએક દિવસ વધુ વીત્યા હોત તો એમ બની પણ ગયું હોત ! મને એ વખતે વિચાર સરખો પણ ન આવ્યો કે પોતાને અણગમતા પતિને વૈરાગી બનાવી આ સ્ત્રીઓ, આ રીતે, અંતઃપુરમાં, મનમાન્યા પુરુષથી યથેચ્છ વિલાસ ભોગવવાની તક ઊભી કરવા માર્ગ છે ! સંસારમાં પુરુષનો બધી બાબતમાં વિશ્વાસ કરી શકાય, પણ સ્ત્રીનો – તેમાંય સૌંદર્યવતી સ્ત્રીનો-તો કોઈ બાબતમાં વિશ્વાસ ન કરી શકાય !”
“હળાહળ વિષથી ભરેલા નાગને ઘરમાં સંઘરવો ઓછો ભયાનક છે, પણ ઘરમાં જ સુંદર સ્ત્રી છે, ત્યાં જુવાન પુરુષનો પડછાયો પણ વિષથી વધુ કાતિલ બને છે ! આ ગુલામોને થોડું દુઃખ જરૂર થાય છે, પણ એમની કિંમત કેટલી વધી જાય છે ! આખી જિંદગી કેવી સુખમાં જાય છે ! બિચારા બીજા સંસારીઓ તો કેવી ભયંકર દશા ભોગવી રહ્યા હોય છે ! ન ખાવા-પીવાનાં ઠેકાણાં, ન રહેવાનાં ! વળી પોતાના કે વધુ માણસોના સુખ માટે થોડા માણસો થોડુંક દુઃખ ભોગવે તો એ કંઈ અયોગ્ય પણ નથી !"
પોતાના જ પડઘા D 53