________________
ચામના જોડા...” ને ચંદના પગનાં તળિયાં પર જરા ભારથી પેલું ખાટું જળ ઘસી રહી. પગની પાની પર થતા કોમળ સ્પર્શથી મીઠાં ગલગલિયાં માણી રહેલા શેઠ મુક્ત હાસ્ય કરી રહ્યા; એક નેહભરી નજર યૌવનના સૌરભ બાગ જેવી ચંદનાના દેહ પર નાખી રહ્યા. એ નજરમાં રૂપયૌવનભરી પુત્રીને નીરખનાર પિતાનું ચિરંતન વાત્સલ્ય ઝરતું હતું.
આજે ચંદનાનો હર્ષ એના નાના હૈયામાં તો શું, આખા વિશ્વના વિશદ પાત્રમાં પણ સમાતો નહોતો. પગની પાનીઓને ખાટા જળથી ઘસ્યા પછી એ સ્વચ્છ જળનો કુંભ લઈ આવી. કુંભ લઈને આવતી, કસૂંબલ સાડી પરિધાન કરેલી મદભર ચંદનાને જોવી એ પણ આ ચર્મચક્ષુઓની સાર્થકતા હતી. સાચા ગુણીજનોનાં દર્શન જેમ સંસારમાં દુર્લભ હોય છે, એમ સાત્ત્વિક સૌંદર્યભરી દેહલતાનાં દર્શન પણ મહાદુર્લભ હોય છે.
શેઠ બાજઠ પર શાન્તિથી બેઠા હતા. એમનો તમામ થાક જાણે ઊતરી ગયો હતો. ઉતાવળ તો આજે ઘણી હતી; જલદી જલદી જમીને પાછા રાજદરબારમાં જવું હતું; પણ એ બધુંય આ મીઠી પળે ભૂલી જવાયું.
પૂનમના ચાંદા જેવું મોં નીચું ઢાળીને પગ ધોઈ રહેલી ચંદનાનો ઢીલો કેશકલાપ છૂટો થઈ ગયો, ને આખી પીઠ પર કાળા વાસુકિ નાગની જેમ ઝૂમી રહ્યો. એ કેશકલાપની એકાદ બે લટ હવાની સાથે ઊંડી શેઠના પગ પર જઈ પડી; અને પગના ધોવાણના પાણીમાં મલિન થવા લાગી.
અરે, પોતાની પુત્રીનો કેશકલાપ આમ ધૂળમાં રગદોળાય ? શ્રેષ્ઠીએ હેતથી હવામાં ઊડી રહેલી અલકલટ ઊંચકી લીધી ને છૂટા પડેલા કેશકલાપમાં ધીરેથી બાંધી દીધી.
પગ પખાળીને શેઠ ભાણે બેઠા. આજની રસવતી (રસોઈ) અદ્ભુત હતી. ખૂબ હોંશથી બાપ-બેટીએ પેટ ભરીને વાતો કરી, ને એમ કરતાં કરતાં પેટ બમણું ભરાઈ ગયું, એનો ખ્યાલ શેઠને મોડો મોડો આવ્યો. આજનો દિવસ મહાહર્ષનો હતો.
“ચંદના, માણસ માણસમાં પણ કેટલો ફેર છે ! એક હોય તો જલ-થલ પલટાવી નાખે, બીજું હોય તો દિવાળીની હોળી કરી નાખે ! આજ જાણે આખું જીવન કોઈ અશ્રાવ્ય ગીતથી મધુર બની રહ્યું છે. વિલોચન કહેતો હતો કે ચંદના પદ્મિની સ્ત્રી છે.”
“મારે પદ્મિની નથી થવું. કૌશાંબીનાં મહારાણી મૃગાવતી ભલે એકલાં જ પદ્મિની રહ્યાં. તમે પુરુષોએ પણ બિચારી સ્ત્રીને શાં શાં ઉપનામ આપી, એની ન જાણે કેવી કેવી કક્ષા પાડી, ન જાણે મૂર્ખતાની પરિસીમા જેવાં એનાં કંઈ કંઈ વખાણ ને નિંદા કરી એ બિચારી-બાપડીની કેવી ઠેકડી કરી છે !”
20 D પ્રેમનું મંદિર
“શું પદ્મિની થવું ખોટું છે, ચંદના ?"
“હા, કોઈ કહેતું હતું કે એનું રૂપ આગ જેવું હોય છે; એમાં એ પોતે બળે ને બીજાનેય બાળે."
“સાચી વાત છે. રાણી મૃગાવતી પદ્મિની તરીકે પંકાય છે. રાજા શતાનિક એની પાછળ ગાંડા છે; છબીઓ ચિતરાવતાં થાકતા જ નથી. પેલો યજ્ઞમંદિરવાળો ચિતારો રાજશેખર દિવસોથી અહીં પડ્યો છે. એણે અનેક છબીઓ ચીતરી, પણ રાજાજીનું મન ધરાતું નથી. રાણીને આંતરતોષ થતો નથી. એ તો કહે છે કે હજી મન ડોલી ઊઠે એવી છબી ચીતરી જ નથી. એમને તો સાક્ષાત્ મૃગાવતી જોઈએ.” ચંદનાએ કહ્યું.
“લોક ઘેલાં થયાં છે. રૂપ, યૌવન, સત્તા કે ધન મળ્યું એટલે માનવી વિવેક જ છાંડી દે છે. આ કાયામાં ચીતરવા જેવું છે શું ? અને કાયા ગમે તેવી સુંદર હોય, એથી શું છબીમાં સુંદરતા આવી જશે ? અસલી હીરા સાથે નકલી હીરો હોડ બકી શકશે ખરો ?”
“ચંદના, તારી વાતો અજબ હોય છે !” શેઠ જમી રહ્યા હતા. વખત ઘણો વીતી ગયો હતો. રાજદરબારમાં તાકીદે પહોંચવાનું હતું. તેઓ જવાની તૈયારી
કરવા લાગ્યા.
“મધ્ય ખંડમાં સેજ બિછાવી છે, જરા આરામ કરતા જાઓ તો સારું.” ચંદનાએ વિનંતી કરતાં કહ્યું.
“તારી પાથરેલી સેજ પર આરામ કરવાનું કોને દિલ ન થાય ?” શેઠ આરામ કરવા માટે વિચાર કરી રહ્યા, એટલામાં તો રાજદરબારમાંથી તેડાગર આવીને ઊભો.
એણે પ્રણામ કરીને કહ્યું : “રાજાજી આપની રાહ જોઈને બેઠા છે. કહેવરાવ્યું છે કે અમે જમીને આવી ગયા છીએ, છતાં શ્રેષ્ઠીવર્ય હજી જમી પરવાર્યા નથી ? ભારે આળપંપાળ લાગે છે !”
“અરે, મારા સુખને બિચારો રાજા શું જાણે ?” શેઠે ધીરેથી કહ્યું, ને પછી મોટેથી કહ્યું : “ચાલો, આ આવ્યો ?”
શેઠ તરત રવાના થયા. જતાં જતાં એમની નજર ચંદનાની નજર સાથે મળી. જાણે વાત્સલ્યનાં બે તેજ ભેટી પડ્યાં. દ્વાર સુધી આવીને ચંદના શેઠને જતા જોઈ રહી : પોતાના વાત્સલ્યનો ઝરો, પોતાનો જીવનદાતા ઓ જાય !
4
ચંદના બે ક્ષણ સુખનિદ્રામાં મગ્ન થઈ રહી. એણે આંખો મીંચી જાણે સુખના ઘૂંટડા પીવા માંડ્યા. અચાનક આકાશમાંથી વજ્રપાત થાય તેમ કોઈએ એને ધક્કો માર્યો અને જોરથી એનો કેશકલાપ ખેંચ્યો. એણે વેદનામાં ચીસ નાખી, ને આંખ
દૃષ્ટિ તેવી સૃષ્ટિ – 21