________________
શાસ્ત્ર સ્વાધ્યાય
સદ્વિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ.
તીર્થંકરોની અનુપસ્થિતિમાં તીર્થંકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા.
પ્રતિદિન તીર્થંકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું.
વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી.
૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે.
પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં.
૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં.
ઘરમાં સંડાસ – બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે.
માસિક ધર્મવાળા બહેનોએ શાસ્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી.
આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
8