Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
(૮×૭ = ૫૬) જોઈ લીધા. તે દ્વીપના ભાગો ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહેમવંત પર્વતના બંને કિનારા અને ઐરવત ક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વતના બંને કિનારા લવણ સમુદ્રના પાણીને સ્પર્શ કરી રહ્યા છે. તે દશ્ય ચક્ષુસા દેવીને જોતા લાગ્યું કે આ પૃથ્વીકાયમય પર્વતોના ચરણોનું જાણે અપ્કાયમય લવણસમુદ્રનું પાણી સ્વાગત કરતાં પ્રક્ષાલન કરતું ન હોય તેવું રંગીન–સંગીન ચિત્ર જોતાં એકેન્દ્રિયના આત્મા પણ કેવું પરાક્રમ પુરુષાર્થ સંપીને કરી રહ્યા છે ? તેના પ્રત્યે અહોભાવ જાગ્યો. પાણીમાં દ્વીપ અને તેમાં પણ ઉત્પન્ન થયેલી વનસ્પતિ તથા અકર્મભૂમિના મનુષ્યોને રહેવાના છપ્પન અંતરદ્વીપનાં એકોરૂક દ્વીપથી લઈને શુદ્ધદંત સુધીના ૨૮ દ્વીપો પૂર્વ—પશ્ચિમી ભાગમાં રહેલા છે અને ૨૮ દ્વીપો ઉત્તર દક્ષિણી ભાગમાં એક જ સરખા નામના રહેલા જોયા. તે ઉપરાંત ત્યાં અનેક વૃક્ષો દશાંગી સુખો આપે તેવા શરીર ધારણ કરી ગગનચૂંબી ઊંચાઈવાળા થઈને શોભી રહ્યા હતા. એકેન્દ્રિયની અપેક્ષાએ મહાન પુણ્યના યોગે તેમને એકેન્દ્રિયની કાયા મળી હતી, તેથી તેના શુભ સુંદર મનોરમ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શની શીતલ છાયા આપી શકે તેવી સામગ્રીથી તેઓ સ્વયં મૂળ, થડ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ અને બીજમાં ભરપૂર રસાસ્વાદથી ભરેલા ઘાસ તેમજ કચરાની ગંદકીથી રહિત પોતાના શરીરનું સૌંદર્ય પ્રગટ કરી રહેલા હતા, તેને જોયા. તેની બીજી બાજુમાં મોટી ૮૦૦ ધનુષની ઊંચાઈવાળા માનવ યુગલોને જોયા. આ ૫૬ અંતર દ્વીપોના ક્ષેત્રોની શોભા રમણીય–દર્શનીય છે. તે ક્ષેત્રને શોભાવનારા માનવયુગલો પણ એટલા જ સૌંદર્યવાન દેખાય છે. બત્રીસ લક્ષણથી પૂર્ણ, તેઓના ચરણનાં તળિયા, પંજો, ઘૂંટણ, પગ, ગોઠણ, જંઘા, સાથળ, ગુહ્ય પ્રદેશ, કમ્મર, ઉંદર, પીઠ, ખભા, હાથ, ભુજા, ગ્રીવા, ગાલ, મુખ, જીભ, નાક, લલાટ, આંખ, ભ્રમર, કાન, લમણા, મસ્તક આદિ એક-એક અવયવમાંથી સૌંદર્ય નીતરી રહ્યું છે. તેમની હસ્તરેખા, પાદરેખાવાળું શરીર દ્વીપને વિભૂષિત કરી રહેલ છે, તેમ જોયું અને તેને પાછો બીજો વિચાર આવ્યો સપ્ત ધાતુનું આ ઔદારિક શરીર જીર્ણ-શીર્ણ થવાના સ્વભાવવાળું છે છતાં અપૂર્વ દષ્ટિગોચર થાય છે. આવા શરીરની પુષ્ટિ આ યુગલો કેવી રીતે કરતા હશે ?
ત્યાં એક દશ્ય નજરે પડ્યું. યુગલ દંપતિ, સુસ્વરવાળા કોમળ ત્વચાથી શોભતા, રજ, મેલ, પસીનાથી રહિત, ઉત્તમ નિરોગી શરીરવાળા તથા સુગંધી શ્વાસોશ્વાસવાળા, ૬૪ પાંસળીથીયુક્ત, સમચતુરસ સંસ્થાનવાળા, પ્રકૃતિથી ભદ્રિક, વિનીત, ઉપશાંત, નમ્ર, સરલ, નિર ંકારી, વિચરણ કરી રહ્યા હતાં. તેઓ (૧) મતંગા– નામના વૃક્ષ પાસે આવી ઊભા રહ્યા. તે વૃક્ષ ઉપર મદ ઝરતાં મીઠાશથી ભરેલા ફળો શોભી રહ્યા હતા. પાકીને તૈયાર થયેલા ફળો નીચે આવ્યા. તેને ઊઠાવીને તેનું જ્યુસ પીવા માટે તેમણે (૨) ભૂંગા– નામના વૃક્ષ ઉપર હાથ લંબાવ્યો. તે વૃક્ષ ઉપર પાત્રના આકારવાળા પાન લાગી રહ્યા હતા. તેને લીધા અને તેમાં પેલા ફળોને મૂકી સુશોભિત હસ્તકમલમાં રાખી
46