Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર
માછલીના પેટ જેવું પાતળું હોય છે. તેઓની ઇન્દ્રિયો અત્યંત પવિત્ર અને નિર્લિપ્ત હોય છે. તેઓની નાભિ કમળ જેવી વિશાળ હોય છે. તેઓના બંને પાર્શ્વભાગ નમેલા, પ્રમાણોપેત, સુજાત, પુષ્ટ, સુંદર અને આનંદદાયક હોય છે. તેઓના પીઠના હાડકા માંસલ હોવાથી અનુપલક્ષિત હોય છે. તેઓનું શરીર સુવર્ણ સમાન કાંતિવાળું, નિર્મળ, જન્મથી જ દોષ રહિત અને રોગાદિના ઉપઘાત રહિત હોય છે. તેઓનું વક્ષઃસ્થલ સુવર્ણની શિલાતલ જેવું ઉજ્જવળ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ, સ્થૂલ અને શ્રીવત્સના ચિહ્નથી યુક્ત હોય છે, તેઓની ભુજા મહાનગરની અર્ગલાની સમાન લાંબી હોય છે, તેઓના બાહુ શેષનાગના વિશાળ શરીર જેવા, પરિઘ—અર્ગલા જેવા લાંબા હોય છે. તેઓના હાથના કાંડા બળદના ધૂંસરની સમાન મજબૂત, સોહામણા, માંસલ, પુષ્ટ, વિશિષ્ટ સંસ્થાનથી સંસ્થિત, સઘન, સ્થિર, સ્નાયુઓ સાથે સુબદ્ધ અને ગૂઢ હોય છે. તેઓની બંને હથેળીઓ લાલ, ઉપચિત–ઉન્નત, મૃદુ, માંસલ, મજબૂત, પ્રશસ્ત લક્ષણોથી યુક્ત, સુજાત અને છિદ્ર રહિત આંગળીઓવાળી હોય છે. તેઓની આંગળીઓ પુષ્ટ, ગોળ, સુજાત અને અત્યંત કોમળ હોય છે, તેઓના હાથના નખો કંઈક લાલ, પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે.
૨૯૩
તેઓના હાથમાં ચંદ્ર રેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, ઉત્તમદક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા હોય છે. તે ઉપરાંત તેઓની હસ્તરેખાઓ ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, શ્રેષ્ઠ સ્વસ્તિકના આકારની હોય છે તેમજ અન્ય અનેક શ્રેષ્ઠ, પ્રશસ્ત અને પ્રશંસનીય લક્ષણોવાળી રેખાઓ હોય છે.
તેઓના બંને સ્કંધ–ખંભાઓ ઉત્તમ ભેંસ, વરાહ, સિંહ, વાઘ, વૃષભ, હાથીઓના સ્કંધ જેવા વિશાળ અને ઉન્નત હોય છે. તેઓની ગ્રીવા–ડોક પ્રમાણોપેત, ચાર અંગુલ પ્રમાણ, ત્રણ રેખાઓથી યુક્ત, સુંદર શંખ જેવી હોય છે. તેઓની દાઢી અવસ્થિત− હંમેશાં એક સમાન રહેનારી, સુવિભક્ત, સુજાત શોભાયમાન, માંસલ, પુષ્ટ તેમજ સુંદર સંસ્થાનયુક્ત શાર્દૂલની કેસરાલની સમાન હોય છે. તેઓના અધરોષ્ઠ ઘસીને પરિકર્મિત કરેલ શિલાપ્રવાલ મુંગા અને ચણોઠી સમાન લાલ હોય છે. તેઓની દંતપંકિત સફેદ, ચંદ્રના ટૂકડા જેવી વિમલ અને નિર્મળ, શંખ, ગાયના દૂધ, ફીણ અને મૃણાલ તંતુ જેવી શુભ્ર હોય છે. તેઓના દાંત અખંડ, અજર્જરિત, અવિરલ–પોલાણ રહિત, જન્મથી જ દોષ રહિત અને અનેક દાંતો હોવા છતાં એક જ દંતપંકિત જેવા હોય છે. તેઓની જીભ અને તાળવું અગ્નિમાં તપાવીને ધોયેલા અને ફરી તપાવેલા સુવર્ણની સમાન લાલ હોય છે. તેઓનું નાક ગરુડના નાકની સમાન લાંબુ, સીધું અને ઊંચુ હોય છે. તેઓની આંખો સૂર્ય કિરણોથી વિકસિત પુંડરીક કમળ જેવી વિકસિત, શ્વેત કમળ જેવી ખૂણામાં લાલ, મધ્યમાં કાળી અને સફેદ તથા પાંપણોવાળી હોય છે. તેઓની ભ્રમરો કંઈક ચઢાવેલા ધનુષ્ય જેવી વાંકી, રુચિર સંસ્થાનની અપેક્ષાએ રમણીય મેઘરાજિ સમાન કાળી, પ્રમાણોપેત, લાંબી, સુજાત પાતળી હોય છે. તેઓના કાન આલીન એટલે મસ્તક સુધી લાંબા, પ્રમાણોપેત અને સુંદર હોય છે. તેઓના ગાલ પુષ્ટ અને માંસલ હોય છે. તેઓનું લલાટ તુરંત ઉદિત થયેલા અષ્ટમીના ચંદ્રના આકારનું પ્રશસ્ત, વિસ્તૃત અને સમતલ હોય છે. તેઓનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું સૌમ્ય હોય છે. તેઓનું ઉત્તમાંગ- મસ્તક ઉઘાડેલા છત્રના આકારનું ઉત્તમ, સઘન–પોલાણ રહિત, સ્નાયુઓથી સુબદ્ધ પ્રશસ્ત લક્ષણોવાળું, શિખરની જેમ ઉન્નત, પથ્થર જેવું મજબૂત અને ગોળ હોય છે. તેઓના મસ્તકની ઉપરની ચામડી–તાળવું– દાડમના પુષ્પની જેમ લાલ, તપનીય સુવર્ણની જેમ નિર્મળ અને સુજાત સુંદર હોય છે. તેઓના મસ્તકના કેશ શાલ્મલી . વૃક્ષના ફળની જેમ ગાઢ ઉપચિત, કોમળ, નિર્મલ, પ્રશંસનીય, સૂક્ષ્મ-બારીક, ઉત્તમલક્ષણોથી યુક્ત, સુગંધ યુક્ત અને સુંદર હોય છે. તેમજ તે કેશ ભુજમોચક-કૃષ્ણવર્ણનું રત્નવિશેષ, ભ્રમર, મરકતમણિ, કાજલ, હર્ષિત થયેલા ભ્રમર સમૂહની જેમ અત્યંત કાળા, સુંવાળા હોય છે, તે કેશો સમારાયેલા(વિખરાયેલા નહીં), ઘુઘરાળા અને દક્ષિણાવર્ત જમણી બાજુના વળાંકવાળા હોય છે.