Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૫૯૮]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રતિપત્તિ - ૩
વૈમાનિક દેવાધિકાર સંક્ષિપ્ત સાર રાજા
આ પ્રકરણમાં વૈમાનિકદેવોના આવાસરૂપવિમાનોના સ્થાન, ત્રણ પ્રકારની પરિષદ, દેવવિમાનોની ઊંચાઈ, આધાર, વિમાનના વર્ણ, ગંધ આદિ તેમજ દેવોનું સ્વરૂપ, અવધિક્ષેત્ર આદિનું વિસ્તૃત વર્ણન છે. તેમજ અંતે ચારે ગતિના જીવોની કાયસ્થિતિ અને અંતરનું સંક્ષિપ્ત પુનર્કથન છે. વૈમાનિક દેવો-૧૨દેવલોક, ૯ ગ્રેવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં વસનારા દેવોને વૈમાનિકદેવો કહે છે. તે દેવો ઊર્ધ્વલોકમાં રહે છે. વિમાનોનું સ્થાન– સમ પૃથ્વીથી અસંખ્ય ક્રોડાકોડી યોજના ઉપર પ્રથમ સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક છે. ત્યાંથી અસંખ્ય ક્રોડાકોડી યોજન ઉપર ત્રીજો સનત્કુમાર અને ચોથો માહેન્દ્રદેવલોક છે. તે ચારે વિમાનો અર્ધચંદ્રાકારે છે. ત્યાર પછી ક્રમશઃ બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર દેવલોક છે અને તે પૂર્ણ ચંદ્રાકારે છે. ત્યાર પછી આનત-પ્રાણત, આ બે દેવલોક અને આરણ-અય્યત આ બે દેવલોક અર્ધચંદ્રાકારે છે. ત્યાર પછી ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. ત્યાર પછી પાંચ અનુત્તર વિમાનો છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યમાં અને ચાર દિશામાં શેષ ચાર વિમાનો છે. વિમાનોનું સ્વરૂપ-તે વિમાનો વિવિધ રત્નમય, શ્રેષ્ઠ વર્ણ, ગંધ અને સ્પર્શથી યુક્ત હોય છે. પ્રથમ દેવલોકમાં ૩ર લાખ વિમાનો છે. ત્યાર પછી બીજા દેવલોક આદિમાં ક્રમશઃ ૨૮ લાખ, ૧૨ લાખ, આઠ લાખ, ચાર લાખ, ૫0,000, 80,000, 000, નવમા-દશમા દેવલોકમાં ૪૦૦ અને ૧૧-૧રમા દેવલોકમાં ૩૦ વિમાનો છે.
તે વિમાનોમાં કેટલાક આવલિકાબદ્ધ—પંક્તિબદ્ધવિમાનો છે. તે ગોળ, ત્રિકોણ અને ચોરસ આકારે ક્રમશઃ ચારે દિશામાં ગોઠવાયેલા હોય છે. કેટલાક વિમાનો વિવિધ આકારના છૂટા છવાયા પુષ્પોની જેમ સ્થિત છે, તેને આવલિકા બાહ્ય અથવા પુષ્પાવકીર્ણ કહે છે. તે બંને પ્રકારના વિમાનોમાં કેટલાક વિમાનો સંખ્યાત યોજન અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. વિમાન આધાર- પહેલો અને બીજો દેવલોક ઘનોદધિના આધારે; ત્રીજો, ચોથો અને પાંચમો દેવલોક ઘનવાતના આધારે; છઠ્ઠો, સાતમો અને આઠમો દેવલોક ઘનોદધિ-ઘનવાત ઉભય પ્રતિષ્ઠિત છે, ત્યાર પછીના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત છે. દેવોનું સ્વરૂપ- તે દેવો પુણ્યયોગે સુંદર અને મનોહર સમચતુરંસ સંસ્થાન યુક્ત શરીરના ધારક હોય છે. તેના વર્ણ, ગંધ, સ્પર્શ શ્રેષ્ઠ હોય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી વિવિધ પ્રકારના ઇચ્છિત સંખ્યાત કે અસંખ્યાતરૂપો બનાવી શકે છે. જન્મથી જ કોઈ પણ પ્રકારના વસ્ત્ર, આભૂષણો આદિ બાહ્ય વિભૂષા વિના સોહામણા લાગે છે. ઉત્તરક્રિય શરીર બનાવે ત્યારે બહુમૂલ્યવાન આભરણો અને આભૂષણોને ધારણ કરીને વિવિધ પ્રકારે વિભુષા કરે છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી, તેથી કોઈ પણ પ્રકારની બાહ્ય વિભૂષા કરતા નથી. તે જન્મથી જ વિભૂષિત શરીરવાળા હોય છે.