Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેઓ દશ પ્રકારના વૃક્ષોથી પોતાની જીવન જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેઓને ક્યારે ય કોઈપણ વસ્તુના અભાવની અનુભૂતિ થતી નથી, તેથી તે મનુષ્યોમાં પરસ્પર કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેર-ઝેર આદિ દુર્ભાવો હોતા નથી. દશ વક્ષ:- (૧) મતગા– આ જાતિના વૃક્ષો માદક રસયુક્ત ફળ પ્રદાન કરે છે (૨) ભુંગા- વિવિધ પ્રકારના ભાજન-વાસણોની પૂર્તિ કરે છે (૩) ત્રુટિતાંગા- તેમાંથી ૪૯ જાતિના વાજિંત્રો યુક્ત ધ્વનિ નીકળે છે. (૪) દીપશિખા– દીપક સમાન પ્રકાશ કરે છે (૫) જ્યોતિશિખા- ચંદ્ર-સૂર્ય જેવો વિશેષ પ્રકાશ કરે છે () ચિત્રાંગા- જાત-જાતની માળાઓ પ્રદાન કરે છે (૭) ચિત્તરસા– વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ભોજન સામગ્રી, તેમાંથી પ્રાપ્ત થાય છે (૮) મણિમંગા- તે વૃક્ષોથી સુંદર આભૂષણો પ્રાપ્ત થાય છે (૯) ગેહાગારા–મનોહર ગૃહ-આવાસ સ્થાનોની સુવિધા સંયુક્ત હોય છે. (૧૦) અણિગણા–વિવિધ પ્રકારના સુંદર વસ્ત્રોની પૂર્તિ તે વૃક્ષોથી થાય છે.
આ દશ પ્રકારના વૃક્ષો વનસ્પતિકાયમય હોય છે. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. તેથી ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોની ઇચ્છા પૂર્તિ નિર્વિધ્ધ થઈ જાય છે.
આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના કુદરતી ઉપદ્રવો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ થતાં નથી. માખી, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુઓ હોતા નથી તેમજ સિંહ, વાઘ આદિ હિંસક પશુઓના ત્રાસ નથી. લડાઈ, ઝગડા, મહાયુદ્ધ આદિ થતા નથી, કોઈ પ્રકારની શારીરિક વેદના, વિરહ વેદના યુગલિકોને હોતી નથી. યુગલિકો પૂર્વના પુણ્યને ભોગવતાં પતિ-પત્નિ બંને સાથે જ આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિને પ્રાપ્ત કરે છે.
આ રીતે આ પ્રકરણમાં પ્રાયઃ યુગલિક મનુષ્યો સંબંધી જ વર્ણન છે.