________________
કરવામાં આવતું હોય !
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ સર્જનપ્રક્રિયા–નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિનો આલેખ મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૧૫ જેટલા ગ્રંથો લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૧૫ ‘અમર ગ્રંથશિષ્યો’ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલા છે; ૨૪ ગ્રંથોમાં એમની કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક ગ્રંથો લખ્યા હતા. એમના કાવ્યસાહિત્ય વિશે ગુજરાતના ‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકે વિખ્યાત નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું હતું :
“શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે, મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય, બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.”
યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ પણ એમની આ ડાયરીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની માત્ર એક ડાયરી જ ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ રોજનીશી એ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને નખશિખ દર્શાવી જાય છે. ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. ગુરુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય ? – જ્યાં માગ્યા વિના જ બધું મળતું હોય છે.
રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા મળે છે. હૃદયમાં જાગતો ભાવ સીધેસીધો જ રોજનીશીનાં પાનાં પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો પણ કરવા પડ્યા નથી ! અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે :
“ઊંઘ્યો દેવ જગાવીયો રે - દેહ દેરાસરમાંહી –
“એ યોગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વક્તૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનોખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, યોગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અબ્ધિમાં (બુદ્ધિસાગરમાં) થતાં જોવાય છે.”
જયભિખ્ખુ
6