________________
આત્મયોગીની આંતરયાત્રા
પદાશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
ડાયરી એટલે રોજનીશી, દૈનિક પ્રવૃત્તિની નોંધ. ખરું જોતાં ડાયરીની આત્મલક્ષી નોંધ એક પ્રકારનું આત્મસંભાષણ બને છે, જેમાંથી લેખક આત્મનિરીક્ષણ કરીને પોતાના ગુણદોષ જોઈ શકે છે. મોટા ભાગની ડાયરીઓ ભૌતિક પ્રવૃત્તિઓની નોંધરૂપે હોય છે, અને તેમાં ઐહિક સુખ-દુ:ખ કે સફળતાનિષ્ફળતાનું અથવા ગમા-અણગમાનું નિદર્શન કરતી નોંધો જોવા મળે છે.
| પરંતુ થોડીક એવી પણ ડાયરીઓ હોય છે, જેમાં કેવળ આધ્યાત્મિક અનુભવોનું નિરૂપણ જ હોય છે, અને લખનાર એમાં પોતાના વાંચન, મનન, નિદિધ્યાસન, આત્મચિંતન, આત્માનંદ ઇત્યાદિ આંતરગુહામાં ચાલતી ઘટનાઓની નોંધ આપે છે. જો તેનામાં સાહિત્યિક શક્તિ હોય તો, તેને લગતા ગદ્ય-પદ્યના ઉદ્ગારોમાં સાહિત્યિક સુગંધ આવવા પામે છે. નિઃસ્પૃહ અને નિર્મમ ભાવે, કેવળ આધ્યાત્મિક પ્રગતિ કે પીછેહઠની નોંધ કે નિજાનંદની અભિવ્યક્તિ સાટે લખનારા વિરલ હોય છે. યોગસાધક આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશી આ પ્રકારની છે. તેમના સુદીર્ઘ જીવનકાળના લાંબા પટને આવરી લેતી અનેક વર્ષોની રોજનીશીઓ એમણે લખી હોવા છતાં, એમની એક જ વર્ષની રોજનીશી અત્યારે પ્રાપ્ત થાય છે. નાનકડી ડોકાબારીમાંથી મહેલમાં નજર નાખીએ અને જેમ તેની અંદર રહેલી અમૂલ્ય સમૃદ્ધિનું દર્શન થાય, એવો અનુભવ શ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ એક વર્ષની રોજનીશી પરથી થાય છે. આમાંથી તેમના ભવ્ય-અભુત જીવનકાર્યનો ખ્યાલ આવી જાય છે. આમાં તેઓના યોગ, સમાધિ, અધ્યાત્મચિંતન, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વાચન, લોકહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન અને ગઝલમાં મસ્તીરૂપે પ્રગટતા નિજાનંદનું દર્શન થાય છે.
| સમગ્ર જીવનમાં એક વર્ષનું મહત્ત્વ કેટલું ? પળનો પણ પ્રમાદ નહિ સેવનાર જાગ્રત આત્માને માટે તો અંતરયાત્રાના પથ પર પ્રયાણ કરવા માટે પ્રત્યેક વર્ષ નહિ, બલ્ક પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હોય છે અને ભગવાન મહાવીરની પળમાત્ર જેટલાય પ્રમાદ નહિ કરવાની શીખ, એ રીતે ચરિતાર્થ થઈ શકે છે. આનો જીવંત આલેખ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની વિ. સં. ૧૯૭૧ની, માત્ર એક જ વર્ષની ડાયરીમાંથી મળી જાય છે. એક બાજુ વિહાર, વ્યાખ્યાન અને ઉપદેશની ધર્મપ્રવૃત્તિ ચાલે, બીજી બાજુ ભિન્ન ભિન્ન વિષયોનાં પુસ્તકોનું સતત વાચન થાય, સાથોસાથ મનની પ્રક્રિયા તો ચાલુ જ હોય અને આ બધામાંથી ચૂંટાઈ ઘંટાઈને લેખન થતું હોય. હજી આટલુંય ઓછું હોય તેમ, અવિરત ધ્યાનસાધના પણ ચાલતી જ હોય અને કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવ્યા પછી થતી આત્માનુભૂતિનું અમૃતપાન