________________
૦૩ ભગવાન મહાવીર
કોઈપણ સાધન-સામગ્રીનો દુરુપયોગ અથવા જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરવો તે ચોરી અને હિંસા જ છે. ભગવાન મહાવીરે કહ્યું કે જીવંત શરીર એ લોહી માંસનું એકલું માળખું (કલેવર) નથી પણ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખવાળા આત્માનું ઘર છે. ભગવાન મહાવીરના આ સંદેશામાં વ્યક્તિની સ્વતંત્રતા અને આધ્યાત્મિક આનંદનું પ્રતિબિંબ જોવા મળે છે. ભગવાન મહાવીરે સમજાવ્યું કે વિશ્વનો અને તેમાં રહેલા તત્વોનો કોઈ આરંભ કે અંત નથી. તેથી તેમણે ભગવાન સૃષ્ટિના સર્જક, રક્ષક કે ભક્ષક છે એ વાતને સ્વીકારી નથી.
સંપૂર્ણ સત્ય કોઈ એક ચોક્કસ વિચારથી ગ્રહણ કરી શકાય નહીં. સંપૂર્ણ સત્ય તો વ્યક્તિગત જુદા જુદા વિચારો ભલે તે વિરોધાભાસી લાગે છતાં તે બધાનો સરવાળો છે, માટે બધી પરિસ્થિતિઓને સમાન દ્રષ્ટિથી જોવી જોઈએ. ગમોઅણગમો રાખ્યા વગર તેમણે જીવન પ્રત્યેનો વિધેયાત્મક અનેકાંત અભિગમ અને સ્વપુરુષાર્થનું મહત્વ સમજાવ્યું. ધર્મનું આચરણ લોભ કે અંદરના ભય વગર કરવાનું તેમણે સૂચવ્યું. ભૌતિક સુખ અને અંગત લાભ માટે કોઇ પણ દેવ-દેવીઓને ભજવા તે સાચા આધ્યાત્મિક માર્ગથી વિરુદ્ધ છે. ભગવાન મહાવીરનો બોધ આત્માની આંતરિક સુંદરતા અને સુમેળને પ્રતિબિંબિત કરે છે. તેમણે ધર્મને જટિલ ક્રિયાકાંડથી મુક્ત કરી સરળ અને સહજ બનાવી દીધો. નોંધ – અત્યારના સમયમાં અંગત લાભ માટે કે ભયને દૂર કરવા આપણે દેવ-દેવીઓની પુજા,પ્રાર્થના અને પૂજન કરીએ છીએ તેમ જ કેટલીક જટિલ ધાર્મિક વિધિ જૈન ધર્મમાં જોવા મળે છે તે વિધિઓ છેલ્લા સો બસો વર્ષ માં દાખલ થયેલ છે જેને કારણે ધાર્મિક વિધિઓમાંથી સાદગી જતી રહી છે અને ધર્મનો મહદ્ અંશે દેખાવ વધી ગયો છે જે ભગવાન મહાવીરના ઉપદેશથી તદ્દન વિરૂધ્ધ છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
23