________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
૨૦. ધાર્મિક તહેવારો
ધાર્મિક તહેવારો તીર્થંકરોના જીવનની નોંધપાત્ર ઘટનાઓને ઉજવીને મનાવાય છે. દરેક તીર્થંકર ના જીવનની પાંચ મુખ્ય ઘટનાઓ; ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણ આવા તહેવારો માં ઉજવાય છે. ધાર્મિક તહેવારો ચંદ્રની સ્થિતિ ઉપરથી બનેલા પંચાંગ પર આધારિત હોય છે (એક વર્ષના આશરે ૩૫૪ દિવસ).
જૈન સમાજ આ પ્રસંગોના તપ કરીને, પવિત્ર સુત્રો બોલીને, ધાર્મિક વ્યાખ્યાનો સાંભળીને, શસ્ત્રોનો અભ્યાસ કરીને, મનને કાબૂમાં રાખવા શપથ લઈને અને કરુણા અને ધ્યાનની પ્રવૃત્તિ કરીને આ તહેવારો ઉજવે છે. મુખ્ય ધાર્મિક તહેવારો આ પ્રમાણે છે.
પર્યુષણ અને દશલક્ષણા પર્વ
આ વર્ષના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે. જેમાં આઠ કે દસ દિવસના ઉપવાસ, વિવિધ પ્રકારના ક્રિયાકર્મ, જૈન સિદ્ધાંતોની સમાલોચના અને જીવમાત્રને ક્ષમાપનાની પ્રાર્થના કરવામાં આવે છે. આ તહેવાર લગભગ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં આવે છે. અંતમાં આત્મચિંતન દ્વારા બીજાને ક્ષમા આપીને અને બીજા પાસે ક્ષમા યાચીને અને જાણતાં કે અજાણતાં મન વચન, કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા માંગીને તેનું સમાપન થાય છે.
મહાવીર જન્મ કલ્યાણક (જયંતી) પર્વ
લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં ભગવાન મહાવીરનો જન્મ દિવસ ઉજવાય છે. જુદા જુદા ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને આ દિવસ ઉજવાય છે. મોટે ભાગે આખો દિવસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જાય છે.
અક્ષય તૃતીયા (વર્ષીતપ પારણા)
પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનની યાદમાં આ દિવસે આખા વર્ષના એકાંતર દિવસે કરેલા ઉપવાસ તપના પારણાં કરવામાં આવે છે. જૈનો આ પારણું શેરડીનો રસ પીને કરે છે.
124
જૈન દર્શન અને આચારની સરળ સમજ