________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
નામકર્મ - દેહ અને શરીર રચના કર્મ
આ કર્મના નિમિત્તથી આત્માનું અપ્રત્યક્ષ અસ્તિત્વ ઢંકાય છે. અને મર્યાદિત શારીરિક અને માનસિક શક્તિ વાળા શરીરને ધારણ કરે છે. નામકર્મના ઘણાં પેટા વિભાગો છે. ટૂંકમાં આત્મા કેવું શરીર અને કયા શારીરિક ગુણો ધરાવશે, ક્યો જન્મ લેશે, કેવું શરીર પ્રાપ્ત કરશે વિગેરે તે નામકર્મ નક્કી કરે છે.
જેમકે - દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરક ગતિ. તથા શરીરની આકૃતિ, રંગ, રચના વિગેરે આ કર્મ નક્કી કરે છે.
ગોત્ર કર્મ - (સ્થાન અને સામાજિક પ્રતિષ્ઠા નક્કી કરતું કર્મ)
આ કર્મ ના નિમિત્તથી જીવ ઉત્તમ સંસ્કારિક કુળમાં જન્મ લેશે કે હલકા સંસ્કાર વગરના અધાર્મિક કુળમાં તે નક્કી થાય છે. તે કુટુંબ, સામાજિક મોભો અને સંસ્કાર વિગેરે નક્કી કરે છે.
આયુષ્ય કર્મ - (જન્મ-મરણ વચ્ચેના કાળને નક્કી કરતું કર્મ)
આ કર્મ ના નિમિત્તથી આત્માની સાથે જોડાયેલ શરીરના જન્મ મરણ વચ્ચેના કાળ નક્કી થાય છે. આમ આત્માના શાશ્વત અસ્તિત્વના ગુણને તે આવરે છે.
50
જૈન દર્શન અને આચારની સરળ સમજ