________________
ફૅશન ટી.વી. પરનો પ્રતિબંધ હટાવી લેવાયો
હિન્દુસ્તાન : તા. ૨૬/૫/૦૭
આ દેશના માંધાતાઓએ એક નિશ્ચય કરી દીધો છે. આ દેશના પૂર્વજોએ, ઋષિ-મુનિઓએ અને સંતોએ મર્યાદા, પવિત્રતા, સંસ્કાર, સદાચાર, આમન્યા, સભ્યતા વગેરે માટે જે પણ વ્યવસ્થા ગોઠવી છે, જે પણ નીતિ-નિયમો નક્કી કર્યા છે એ તમામને વીણી વીણીને સાફ કરી નાખ્યા વિના રહેવું જ નથી. થોડાંક લોકોના હાથમાં જતા સમાચારપત્રો અને મેગેઝીનોમાં તો વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવા જ પણ લાખો-કરોડો લોકો એક સાથે જે ટી.વી.ના ડબલાની સામે બેસી જાય છે એ ટી.વી.ના ડબલાને તો એક પળ માટે ય વાસનાનાં નગ્ન નૃત્યો બતાવવાથી મુક્ત ન રાખવો. નામ ભલે ને ફૅશન શો નું અપાતું હોય, હકીકતમાં તો એ કપડાં ઉતારવાનો જ શો છે. આ શો બધા જ જોઈ શકે અને માનવના ખોળિયે શેતાન બની જવા સહુ તૈયાર થઈ જાય એ ઉદાત્ત [2] આશયથી પ્રસારણ મંત્રાલયે કોક કારણસર ફૅશન ટી.વી. પર મુકાયેલ પ્રતિબંધ હટાવી લીધો છે. દ્રૌપદી ! તારાં ચીવર ઊતરતા હતા ત્યારે સહુની આંખો નીચી નમી ગઈ હતી ને? અમે સહુની આંખો ઊંચી કરી દેવાનું પરાક્રમ દાખવી રહ્યા છીએ !