________________
કલંકિત પ્રધાનોના મુદ્દે બધા પક્ષો સરખા
ગુજરાત સમાચાર : તા. ૮/૧૨/૦૬
ચંપા અને ગુલાબ વચ્ચે ઝઘડો થયાનું ક્યારેક પણ તમને સાંભળવા મળ્યું હશે પણ કાંટા અને કારેલા વચ્ચે તમને ક્યારેય ઝઘડો થયાનું સાંભળવા નહીં મળ્યું હોય. બે સજ્જનોને એક સાથે બેસાડવામાં હજી તમને તકલીફ પડશે પણ ગુંડાઓ અને લુચ્ચાઓ, ખૂનીઓ અને વ્યભિચારીઓ. એ તમામ વચ્ચેના સંગઠનને રફેદફે કરી દેવામાં તમને ક્યારેય સફળતા નહીં મળે ! રાજકારણની આજની હાલત શી છે? ગુંડાગીરી, બદમાસી અને લફંગાબાજીનો ત્રિવેણીસંગમ જે ક્ષેત્રમાં રચાયો હોય એનું નામ છે આજનું રાજકારણ ! રાજકારણનો આ ગંદવાડ એક એક પક્ષમાં વ્યાપ્ત છે અને એટલે જ કોઈ પણ પક્ષનો કોઈ પણ પ્રધાન કૌભાંડમાં સપડાયેલાની વિગત પ્રકાશમાં આવે છે ત્યારે બધા જ પક્ષો એક થઈને એ કૌભાંડી પ્રધાનને ઉગારી લેવા મેદાનમાં આવી જાય છે. નથી પ્રજાજનો સમજી શકતા કે આ અનિષ્ટને દૂર કરવા કરવું શું? તો નથી ન્યાયતંત્ર સમજી શકતું કે આ અનિષ્ટ આચરનારને સજા કરવી કઈ? સહુ લાચાર બનીને આ તમાશો જોઈ રહ્યા છે અને બધા જ રાજકીય પક્ષો હર્ષાવેશમાં તાબોટા પાડી રહ્યા છે.