________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૫૩ શ્લોક-૫ તા.૮-૮-૦૮ બુધવાર, શ્રાવણ સુદ-૫ સં. ૨૫૦૪
સમયસાર ૪ થો કળશ ચાલી ગયો છે. બે લીટી હતી. હવે આચાર્ય, શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમકિતનું સ્વરૂપ કહે છે. એટલે શું કહ્યું? – કે પહેલાં એમ કહ્યું હતું કે જ્ઞાન સ્વરૂપ આત્મા અથવા જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. એવો ભેદ સમજાવ્યો હતો. પણ એ ભેદ કોઇ ચીજ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા એને સમજાવવા કહ્યું છે કે આ જ્ઞાન તે આત્મા એવો ભેદ પાડીને સમજાવ્યું હતું. એ વ્યવહાર છે. વ્યવહાર આવે ખરો વચ્ચે પણ એ આદરણીય નથી એમ કહે છે. સમજાણું કાંઈ? આ આત્મા ચૈતન્ય સ્વરૂપ, એવો જે ચૈતન્ય સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ એવો જે ગુણી ગુણીનો ભેદ પાડીને વાત કરવી, એવું કથન જે આવે એ પહેલું વ્યવહારમાં હસ્તાવલંબ તરીકે આવે, પણ એ આદરણીય નથી. આહાહા ! આવી વાત છે. આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી, નિશ્ચય સમક્તિનું સ્વરૂપ કહે છે. એટલે ત્રિકાળી જે વસ્તુ છે, અનંતગુણનો પિંડ, તે નિશ્ચય સમકિતનો વિષય છે. ધ્રુવ સ્વરૂપ જે ચિદાનંદ ભગવત્ જ્ઞાયક સ્વભાવ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, નિશ્ચય સમ્યકત્વ એના દ્રવ્યને લક્ષે થાય છે. સાચું સમકિત, સત્ય દર્શન, ચોથું ગુણસ્થાન, આહાહા ! એ ત્રિકાળી જ્ઞાયક ભગવત્ સ્વરૂપ એને આશ્રયે થાય છે. એથી અહિંયા નિશ્ચયનયને મુખ્ય કરી(ને) સમકિતની વ્યાખ્યા કરેલ છે. આહાહા!...
અશુદ્ધનયની પ્રધાનતામાં વાદિતત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું (છે), ભેદ પાડીને વાત કરી હતી, એ વ્યવહાર પણ એ વાસ્તવિક છે નહીં. આહાહા ! તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમક્તિ થાય તેમ કહે છે. ઝીણો વિષય છે. આહા ! નવના ભેદ પાડીને કથન નવનું (કર્યું) પણ (છે) એકનું કથન, આ વસ્તુ છે અભેદ, એમાં આ જ્ઞાન તે આત્મા એવો જે ભેદ પાડવો તે જ એક નિમિત્ત ને વ્યવહાર (તેને) હસ્તાવલંબ કહેવામાં આવે છે. પણ તે અનુસરવા લાયક નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે. એ વ્યવહારની મુખ્યતામાં કહ્યું હતું. તો અહીં જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમકિત થાય એમ કહે છે. આહાહા! ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં તેમ કહે છે, વ્યવહાર કથંચિત્ કહ્યો હતો પ્રયોજનવાન, જાણવા માટે કહ્યું હતું પણ આદરવા માટે બિલકુલ પ્રયોજનવાન નથી. આહાહા ! કાંઈ વસ્તુભૂત નથી. એમ કહે છે.
ત્યાં આપણે અગીયારમી ગાથામાં આવ્યું હતું. જિનવચનમાં વ્યવહારને ભેદને હસ્તાવલંબ જાણી ઘણો કહ્યો છે. ધનાલાલજી! શું કીધું? વ્યવહારને હસ્તાવલંબ જાણી જિનવાણીમાં ઘણો કહ્યો છે, પણ એનું ફળ સંસાર છે. એ આ હસ્તાવલંબ. આહાહા ! જયચંદ પંડિતમાં આવી ગયું છે ૧૧મી ગાથાના ભાવાર્થમાં. કે ભેદનો પક્ષ તો અનાદિનો છે જગતને, અને ભેદના પક્ષની વાતો પરસ્પર અન્યોન્ય કર્યા કરે છે, અને જિનવાણીમાં પણ ભેદના પક્ષને, હસ્તાવલંબ જાણી ઘણો કહ્યો છે, પણ ત્રણેયનું ફળ સંસાર છે. આ ગજબ વાત છે. ( શ્રોતા:- ભગવાને કહ્યું છે એનું ફળ સંસાર?) ભગવાને કહ્યું છે, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. એને ઠેકાણે નિમિત્તથી લાભ થાય? નિમિત્ત તો રાગ છે, એ તો રાગ છે, ગુણ ગુણીનો ભેદ છે એ રાગ છે. આહાહા! એ