________________
૪. જૈન ધર્મના આરાધ્યદેવો
જૈન ધર્મમાં આરાધ્યદેવની કલ્પના એ વિશે સંક્ષેપમાં લખવા ધાર્યું છે. વેદના દેવો ઇન્દ્ર વગેરે પૌરાણિક માન્યતા પ્રમાણે ભલે સમૃદ્ધિ-ભૌતિક સમૃદ્ધિની દૃષ્ટિએ મનુષ્યો કરતાં મહત્ત્વ વધારે ધરાવતા હોય પણ આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તેમનું સ્થાન મનુષ્ય કરતાં નિમ્ન છે. અને અનાદિ દેવાધિદેવ ઈશ્વર કે બ્રહ્મની કલ્પનાને જૈન ધર્મમાં સ્થાન નથી, પરંતુ મનુષ્ય જ પોતાની આધ્યાત્મિક સાધનાનાં શિખરો સર કરીને દેવાધિદેવ બની જાય છે એવી માન્યતા છે. રામ અને કૃષ્ણ એ મનુષ્યો હતા. મનુષ્યોની જેમ જ જન્મ અને મરણ પામ્યા છતાં વૈદિક પુરાણોમાં તેમને ઈશ્વરના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આવો અવતારવાદ પણ જૈનોને અમાન્ય છે. ઈશ્વર નીચે ન આવે પણ મનુષ્ય ઊંચે જાય-અવતરણ નહીં પણ ઉત્થાનમાં જૈનો માને છે. અને વળી તીર્થકર એ કોઈના-ઈશુ આદિ જેમ-સંદેશવાહક પણ નથી. એ તો સ્વયં પ્રયત્નથી પ્રજ્ઞા પ્રાપ્ત કરી જે પોતે દર્શન પ્રાપ્ત કર્યું હોય તે બીજાને સમજાવે છે.
કોઈ પણ જીવ અનેક જન્મોમાં વિકાસનાં સોપાનો ચડીને છેવટે મનુષ્ય ભવમાં પૂર્ણ વિકાસને પામે, મુક્ત બને, નિર્વાણ પામે, સિદ્ધ થાય અને આરાધ્ય બની જાય. આવા આરાધ્યોમાં પણ તીર્થકરોનું સ્થાન વિશેષ હોઈ તેઓ જ જૈનોમાં દેવાધિદેવ તરીકે પૂજાય છે. અન્ય મુક્ત જીવોમાં અને તીર્થકરોમાં જે મહત્ત્વનો ભેદ છે તે એ છે કે તીર્થકરો જ્ઞાન પ્રાપ્ત કરીને અન્યના માર્ગદર્શક બને છે જ્યારે અન્ય પોતાની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી નિર્વાણને પામે છે, ઉપદેશક બનતા નથી, માર્ગદર્શક બનતા નથી, કદાચ બને તો પણ સંઘની સ્થાપના કરતા નથી. નવો માર્ગ સ્થાપિત કરતા નથી, પોતાના દર્શનને વારસરૂપે મૂકી જતા નથી. તીર્થ એટલે પ્રવચન અથવા સંઘ તેની રચના જે કરે તે તીર્થકર, આવો તીર્થંકર શબ્દનો રૂઢ અર્થ થયો છે. વિશેષાવશ્યકભાષ્ય. ૧૦૨૨-૧૦૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org