________________
શાસ્ત્રજ્ઞાઓનો હેતુ • ૬૧ બધા ઊંચા ઊઠેલ હતા–વીતરાગ હતા. તેમના આદેશ કે ઉપદેશનો સાર એ જ છે કે બધા જીવો જીવવા માગે છે, કોઈ મરવા માગતું નથી; માટે એવી રીતે જીવવું કે જેથી બીજા જીવોને ત્રાસ ન થાય. આ ઉપદેશની આસપાસ જ જૈન ધર્મના બધા વિધિનિષેધો ગોઠવાયા છે. આચારાંગાદિ શાસ્ત્રોમાં ભગવાનનો ઉપદેશ એકત્ર કરવામાં આવ્યો છે અને આચારાંગ-દશવૈકાલિક-છેદશાસ્ત્રો એ બધા ગ્રંથોમાં ક્રમે કરી અપવાદો વધ્યા જ છે, ઘટ્યા નથી. વિધિનિષેધોમાં પણ ઘટાડો વધારો થયો છે. એ બધું ગમે તેટલું પરિવર્તન થયું હોય છતાં એ બધાંનો એકમાત્ર ઉદેશ એ જ છે કે એવી રીતે જીવવું, જેથી આત્મહિત તો થાય પણ પરનું અહિત ન થાય. એટલું જ નહીં, પણ આત્મહિત સાથે સાથે પરહિત પણ થતું રહે. જૈન ધર્મનાં શાસ્ત્રોનો ઉદ્દેશ પણ એક જ છે. આદેશો એ મુખ્ય નથી, પણ સાધકનું જીવન મુખ્ય છે. એ જીવનને અનુકૂળ આવે તે જ આદેશનું અનુસરણ કરવાનું છે અને જે આત્મહિતથી પ્રતિકૂળ હોય તે ગમે તે શાસ્ત્રમાં લખ્યું હોય પણ સાધક તેનું અનુસરણ નહિ કરે. ઘણી વાર આપણે ઉપદેશકોના મોઢે “ધબ્બો ભગવાનની આજ્ઞાના પાલનમાં ધર્મ છે એવું સાંભળીએ છીએ, પણ ભગવાનની આજ્ઞા કોને ગણવી અને કોને ન ગણવી એનો નિર્ણય તો તે તે કાળના પુરુષોએ જ કર્યો છે. એવી કોઈ એક ધ્રુવ આજ્ઞા છે જ નહિ, જેના વિશે કોઈ પણ અપવાદ ન હોય; એટલે છેવટે આચાર્ય હરિભદ્ર જેવાએ તો કહી દીધું કે ભગવાને આ કરવું કે તે ન કરવું એવું કશું જ કહ્યું નથી. પણ સત્ય માર્ગનું-સંયમમાર્ગનું અનુસરણ કરવું એ ધ્રુવમંત્ર આપી દીધો છે. ખરી રીતે આજ્ઞા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આત્મા સાક્ષી આપે કે આમાં મારું હિત છે તે જ કરવાનું છે. મહાપુરુષોના દિશાસૂચનને લોકો આજ્ઞા એવું નામ આપી દે છે, માર્ગ પોતે જ પસંદ કરવાનો હોય છે. જયાં સુધી મનુષ્ય પસંદગી કરતો નથી અને માત્ર બીજાના નિર્દેશાનુસાર ચાલે છે ત્યાં સુધી તેને ધર્મ આત્મસાત્ થતો નથી. અને જયાં સુધી ધર્મ આત્મસાત્ થાય નહિ ત્યાં સુધી તે ગમે તેટલું અનુષ્ઠાન કરે, પણ તે શુદ્ધ સમ્યક્તમાં પરિણમતો નથી. એટલે બીજાની આજ્ઞાનો સ્વીકાર એ ધર્મ નથી પણ અંતરાત્માની આજ્ઞાનો સ્વીકાર એ ધર્મ છે.
અખંડ આનંદ ઑગસ્ટ ૧૯૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org