________________
૪૦. અધિકારવાદ અને દયા-દાનનું પાપ
આધ્યાત્મિક વિચારધારા અને ભૌતિક વિચારધારોનો ભેદ સમજયા વિના દયા-દાનની વિચારણા કરવામાં આવે તો કેવું પરિણામ આવે તેનો નમૂનો મુનિશ્રી નગરાજજીનો લેખ, જે તા ૭-૮-પપના જૈન ભારતી(વર્ષ ૩, અંક ૩૨)માં પ્રગટ થયો છે તે પૂરો પાડે છે. સમાજવાદી વિચારધારાનો આશ્રય લઈ આજકાલ ઘણું સાહિત્ય પ્રકટ થાય છે અને આજના નવીન માનસ ધરાવનાર જૈન સાધુઓ તેને વાંચે છે. અને તેમાંની વિચારધારા ઉદ્ધત કરીને પોતાની સાંપ્રદાયિક માન્યતાના સમર્થનમાં તેનો ઉપયોગ કરે છે. આમ કરવામાં તેઓ પોતાની આધ્યાત્મિક પરંપરાને વફાદાર રહી શકતા નથી અને આધુનિક ભૌતિક વિચારધારાનો પણ દુરુપયોગ કરી એક અજબ ગોટાળો ઊભો કરે છે. તેમની સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ જાય છે. જીવનભર જે વિચારોનું પોષણ કર્યું હોય છે તેને છોડી શકતા નથી અને નવા વિચારોને તેના ખરા અર્થમાં સ્વીકારી પણ શકતા નથી. એટલે વિચારનો અજબ ગોટાળો ઊભો થાય છે. આ સ્થિતિ દૂર થવી જોઈએ. માણસે પોતાના વિચારોનું સંશોધન કરીને જ બીજાને ઉપદેશ આપવા નીકળવું જોઈએ અન્યથા અંધારું વધે છે અને જ્ઞાનનો પ્રકાશ ઝાંખો થઈ જાય છે.
સમાજવાદી વિચારધારા ભૌતિક વાદનો આશ્રય લે છે. આત્મા જેવી કોઈ શાશ્વત વસ્તુ નથી તો પછી કર્મ કે તેનું ફળ ભોગવવાની તો વાત જ
ક્યાં રહી? આ લોકમાં કુદરતી જે કાંઈ છે તે સર્વ વસ્તુ ઉપર માનવજાતનો સરખો અધિકાર છે એટલે એ વસ્તુનો ભોગવટો કોઈ એક વર્ગનો નથી પણ સંપૂર્ણ માનવજાતનો છે. એટલે જો કોઈ એક વર્ગ એવો દાવો કરતો હોય કે તે રાજ્ય કરવા જ જન્મ્યો છે, અગર ગુરુપદ લેવા જ જન્મ્યો છે તો તેનો તેવો દાવો સમાજવાદ સ્વીકારી શકતો નથી. તેનું કહેવું છે કે સંપૂર્ણ સમાજનો સરખો હક્ક છે. આ આ અધિકારવાદ છે. એટલે કે આ સંસારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org