________________
૪૪. મૈત્રીસાધના
‘પુરુષ ! તું જ તારો મિત્ર છે. એને બાહ્ય દુનિયામાં શા માટે શોધે છે ?' ભગવાન મહાવીરનું આ વાક્ય એક રીતે સ્વકેન્દ્રિત લાગશે અને પહેલી દૃષ્ટિએ જાણે કે આપણે બીજાની સાથે કાંઈ લેવાદેવા ન હોય એવો એનો અર્થ જણાશે, પણ જ્યારે આપણે મૈત્રી ભાવનાનો વિચાર જે પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે અને જેનો વિશેષ વિચાર બૌદ્ધ ગ્રન્થોમાં મળી આવે છે એને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ભગવાન મહાવીરના એ વાક્યનો વિશદ અર્થ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે.
મૈત્રીભાવનાનો અભ્યાસ કરવા ઇચ્છતી વ્યક્તિએ પ્રથમ કોની સાથે મૈત્રીભાવ ધારણ કરવો અનિવાર્ય છે એ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો છે કે માણસ પોતે જ પોતાનો મહાન શત્રુ છે માટે સર્વ પ્રથમ તેણે પોતાની મૈત્રી કરવી. અને એ સ્વમૈત્રી સધાયા પછી એટલે કે જ્યારે એ પોતા ઉ૫૨ મૈત્રીપ્રયોગ કરશે ત્યારે એને એમ જણાશે કે હું કેવી રીતે મારા આત્માને વ્યર્થ કષ્ટ આપી રહ્યો છું, મને પોતાને એ કષ્ટ ગમતું નથી. તો મારી સ્વમૈત્રીનો અર્થ એ થયો કે મારા ઉપર જે કષ્ટ હું મારા અજ્ઞાનને કારણે લાદી રહ્યો છું. એ કષ્ટથી મારા આત્માને મુક્ત કરવો. આ પ્રકારની આત્મમૈત્રીમાંથી બીજો વિચાર એ સ્વતઃ ઊઠે કે જો મને પોતાને પીડા ગમતી નથી તો મારે બીજાને એ પીડા આપવી નહિ. આમ સ્વમૈત્રી દ્વારા વાસ્તવિક મૈત્રીનો વિકાસ થાય છે, જે વિશે મહાભારતમાં કહેવામાં આવ્યુ છે કે ‘આત્મન: પ્રતિભૂતાનિ પરેવાં ન સમાચરેત્' તાત્પર્ય એ છે કે સ્વમૈત્રી કૃતાર્થ ત્યારે ગણાય જ્યારે એનું પરિણામ વિશ્વમૈત્રીમાં આવે. આ રીતે આત્મૌપમ્ય દ્વારા મૈત્રીભાવનાને જગતનાં સમગ્ર પ્રાણીઓ સુધી વ્યાપ્ત કરવામાં આવે ત્યારે જ ખરી મૈત્રી સધાય. અને એ જો સધાય તો પછી કલ્યાણમિત્ર વ્યક્તિનું નિર્વાણ નજીક જ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org