Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 262
________________ વ્યક્તિ ને સમાજની પારસ્પરિક પ્રભુતા ૭૦ ૨૪૧ તે તે સંપ્રદાયના સંગઠનની અને વિધિનિયમોની બહાર વ્યક્તિ જઈ શકતી નથી, પરતંત્ર બની જાય છે. એટલે વળી તે તે સંપ્રદાયોમાંથી ઊંચી ઊઠનારી સંતો-ભક્તો જેવી વ્યક્તિઓ જન્મ લે છે અને તે પણ અવતારી ગણાવા લાગે છે. આમ વ્યક્તિ અને સમાજના પારસ્પરિક પ્રભુત્વનું ચક્ર ચાલ્યા જ કરે છે, અને વ્યક્તિ અને સમાજનો વિકાસ થયા જ કરે છે. શ્રમણોના ધર્મનો ઇતિહાસ પણ એ જ પ્રકારના વ્યક્તિ અને સમાજના પરસ્પરના પ્રભાવની હોડનો જ ઇતિહાસ છે. મૂળે યોગમાર્ગ એ વૈયક્તિક સાધના છે, પણ એ વૈયક્તિક સાધના પૂર્ણ છતાં ત્યાં સુધી શ્રેષ્ઠ નથી ગણાતી જ્યાં સુધી સાધક તીર્થંકર કે બુદ્ધ નથી બનતો. સાધનાની પૂર્ણતા મુક્તિમાં છે, પણ એ મુક્તિ જો કેવળ પોતાની જ હોય અને એવી મુક્તિથી બીજાને કશો જ લાભ થવાનો ન હોય તો એવા મુંડકેવલીનું સમાજની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ નથી. જેમ સંસારમાં અનેક જન્મે છે અને મરે છે, પણ જેના જન્મને કે મૃત્યુને સમાજ સાથે લેવાદેવા છે તેના જન્મ કે મૃત્યુનો મહોત્સવ સમાજમાં થાય છે, તે જ રીતે મુક્ત પણ ઘણા થઈ શકે, તેમાં સમાજને કશી લેવાદેવા નથી. પણ તીર્થંકરનો જન્મ અને મુક્તિ એ બન્ને સાથે સમાજને સંબંધ છે એટલે તેર્ની ઉજવણી સમાજ કરે છે. આ રીતે મુક્તિમાં વ્યક્તિની પૂર્ણતા છતાં શ્રેષ્ઠતા તો સમાજના સંબંધને કારણે છે. આથી કરીને શ્રમણધર્મ વૈયક્તિક છતાં સામાજિક બની જાય છે. એથી જે લોકો શ્રમણધર્મ એ તો કેવળ વ્યક્તિનો છે, સમાજનો નથી એવી સંકુચિત વ્યાખ્યા કરે છે તે ઉચિત નથી. તીર્થંકર કે બુદ્ધ સમાજના નેતા છે. જ્યારે સમાજમાં નિયમનોમાં જડતા આવી જાય છે અને વ્યક્તિના વિકાસને અવસર મળતો નથી ત્યારે એ નિયમનોને તોડીને નવા માર્ગનું સર્જન તીર્થંકર કરે છે. એ માર્ગની શોધ એ એની આગવી સાધના ખરી, વૈયક્તિક સાધના ખરી, પણ એનો લાભ કેવળ તેના પોતાને માટે નથી. એ સમાજનો નેતા બને છે અને વ્યક્તિ ઉ૫૨થી સમાજનું પ્રભુત્વ દૂર કરી નવે માર્ગે તેને દોરે છે. પણ કાળે કરી એ માર્ગ ધર્મનું રૂપ લે છે—જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ કે બીજો કોઈ શ્રમણધર્મ તેનો સંઘ બને છે, સમાજ બને છે, નિયમોપનિયમ બને છે અને છેવટે પાછી વ્યક્તિ એ નિયમોપનિયમ ચક્રમાં પિસાઈ આગવી સાધના ભૂલી જાય છે, સંઘબદ્ધ જીવન જીવે છે અને સંઘની વિરુદ્ધ માથું ઊંચકી શકતી નથી, એટલે વળી નવા તીર્થંકર, નવા નેતા, નવી વ્યક્તિ જન્મીને સમાજનું પ્રભુત્વ દૂર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269