________________
૨૩૬ • માથુરી કસોટી શી ? જેમ સમાજને અહિતકર્તા તે સામાજિક દુરાચાર, તેમ સ્વયં વ્યક્તિને અહિતકર્તા તે વૈયક્તિક દુરાચાર અને જેમ સમાજને હિતકર્તા તે સામાજિક સદાચાર, તેમ વ્યક્તિને હિતકર્તા તે વૈયક્તિક સદાચાર. બીડી જેવા વ્યસનનું સેવન તે વૈયક્તિક અનાચારમાં ગણાવી શકાય; પણ જે વ્યસનની અસર વંશપરંપરામાં પણ જતી હોય તેને તો સામાજિક અનાચારમાં જ ગણાવું જોઈએ. વળી બીડી જેવું વ્યસન પણ આમ તો વૈયક્તિક અનાચાર જેવું લાગે છે, પણ સામાન્ય રીતે દેખાદેખીથી આવાં વ્યસનોનો પ્રચાર થાય છે તે દૃષ્ટિએ એને માત્ર વૈયક્તિક ન કહી શકાય. માણસ એકાંતમાં પોતાના શોખ ખાતર પીતો હોય તો જ તે વૈયક્તિક અનાચારની કોટિમાં આવી શકે છે.
વૈયક્તિક સદાચાર કોને કહેવો એ જરા અટપટો પ્રશ્ન છે. સામાન્ય રીતે સદાચારનો અર્થ એ છે કે આપણે એવું બીજા પ્રત્યેનું વર્તન, જેથી બીજાનું હિત થતું હોય. એટલે સદાચાર એ સામાજિક છે, વૈયક્તિક નથી. જેમ કે, હિંસા એ દુર્ગુણ છે અને અહિંસા એ સગુણ છે, પણ સંસારમાં અહિંસક રહેવાની કસોટી એ છે કે વ્યક્તિ ઈતર સાથે મૈત્રીભાવ રાખે. એટલે અહિંસા એ વૈયક્તિક નહિ પણ સામાજિક ગુણ થયો. તે જ પ્રમાણે સત્યવચન વિશે કહી શકાય. પારસ્પરિક વ્યવહારનું માધ્યમ વચન અથવા વાણી છે. એ એવી હોય જે બીજાને પ્રિય અને હિતકર્તા હોય ત્યારે સત્ય વચન કહેવાય છે. આથી એ ગુણ પણ વૈયક્તિક નહિ પણ સામાજિક જ છે. અસ્તેય એ સદ્ગણ પણ પર-સાપેક્ષ છે, કારણ કે બીજાની જે વસ્તુ હોય તેને આપણે તેની આજ્ઞા વિના આપણી કરી લઈએ ત્યારે ચોરી કહેવાય છે. આ પ્રમાણે જેટલા નીતિનિયમો છે તે બધા જ સામાજિક છે, માત્ર વૈયક્તિક નથી.
ત્યારે પ્રશ્ન થાય છે કે વૈયક્તિક સદાચાર જેવું શું કશું જ નથી ? આધ્યાત્મિક સાધનાને એ કોટિમાં મૂકી શકાય, પણ સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના પણ હવે વૈયક્તિક જ રહી છે એમ દેખાતું નથી. ગાંધીજીના આદર્શો-સમસ્ત જીવનના કલ્યાણનો જે પ્રયત્ન–એમાં જ પોતાની આધ્યાત્મિક સાધના સમાયેલી છે એમ શીખવ્યું છે; એટલે હવે એમાં પણ સામાજિકતા આવી જ ગઈ છે. એટલે વૈયક્તિક સદાચારની શોધ બીજે ક્યાંક કરવી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org