________________
૯૬ ૭ માથુરી
મિશ્રણો થઈ રહ્યાં હતાં એનાં પરિણામો સ્પષ્ટ રૂપે આપણે ગીતામાં જોઈએ છીએ. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગનો સંદેશ છે, એ વિશે પ્રાચીન આચાર્યો પોતપોતાની દાર્શનિક દૃષ્ટિ અનુસાર તેની વિવિધ વ્યાખ્યાઓ કરે છે. પણ ખરી રીતે સમગ્રભાવે એ ભક્તિયોગનો જ ગ્રંથ છે. કારણ તેમાં કર્મયોગ કે જ્ઞાનયોગ હોય તો પણ તે ભક્તિપ્રધાન છે અને કૃષ્ણની ઉપાસનાનું પ્રાધાન્ય તેમાં સ્થાપવામાં આવ્યું છે, આ બાબતનો ઇન્કાર થઈ શકે તેમ નથી.
આ ભક્તિયોગમાં જ્ઞાન અને કર્મ બન્નેને સ્થાન આપવામાં આવ્યું જ છે. કર્મ કરવાનો નિષેધ નથી પણ કર્મફળની આકાંક્ષાનો નિષેધ છે. આમ જ્ઞાનમાર્ગે જે આકાંક્ષાનો ત્યાગ આવશ્યક માન્યો હતો અને સંન્યાસમાર્ગનું મહત્ત્વ મનાયું હતું તેને કર્મસંન્યાસ નહીં પણ ફળસંન્યાસનું રૂપ ગીતામાં આપવામાં આવ્યું. આથી જ્ઞાનમાર્ગની પૂર્તિ ભક્તિમાર્ગમાં જ થઈ જાય છે અને કર્મ કરવાનો નિષેધ ન હોઈ કર્મમાર્ગ પણ ટકી શકે છે. આમ જીવનમાં ભારતીય દર્શને જે સુફળ કર્મ અને જ્ઞાનનાં આપ્યાં હતાં તેનો સુમેળ અને લાભ ભક્તિ દ્વારા એક ભક્તને મળે છે. જ્ઞાનમાર્ગે આત્મય કે આત્મસમાનતા આગળ કરી બ્રહ્મ કે સ્વની ઉપાસના આગળ ધરી હતી તેને સ્થાને ગીતામાં કૃષ્ણ સ્વયં પરબ્રહ્મ છે અને તેની જ ઉપાસના કરવાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ કરી જે માર્ગ—નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો માર્ગ—માત્ર કેટલાક યોગીઓને માટે જ શક્ય હતો તેને
સર્વજનસુલભ બનાવ્યો. આ પણ આ ભક્તિમાર્ગની વિશેષતા થઈ. આમ આ ભક્તિમાર્ગ સર્વજનસુલભ થવાની યોગ્યતાવાળો હોઈ સર્વને પ્રિય થઈ પડે એવી સંભાવના તેમાં સહજ છે. આથી આપણે જોઈએ છીએ કે ગીતા પછી ભારતીય જીવનમાં ભક્તિને જે સુદૃઢ સ્થાન મળ્યું તે તેની સર્વગ્રાહ્યતાની યોગ્યતાને કારણે જ છે.
ભક્તિમાર્ગની આવી દાર્શનિક ભૂમિકા હતી. તેથી જીવનમાં પણ તે માર્ગે એ જ પ્રકારનું વલણ અપનાવ્યું. ગીતામાં એ સ્પષ્ટ છે કે એ ભક્તિમાર્ગને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાત-જાતના ભેદભાવ વિના, કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના સમાન ભાવે અપનાવી શકે છે. આમ વૈદિકોના સાર્વત્રિક વર્ણવાદ વિરુદ્ધ અને શ્રમણોના પણ ગૃહસ્થ સમાજગત વર્ણવાદ વિરુદ્ધ ભક્તિમાર્ગે સર્વ કોઈ માટે દ્વારો ઉંઘાડાં મૂકી દીધાં અને દાર્શનિક મંતવ્ય અનુસાર જીવનમાં પણ સંગતિ લાવવાનો ભગીરથ પ્રયત્ન એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org