________________
૧૧૬ ૦ માથુરી
એમ બધા ધર્મોએ કહ્યું છે. પણ એ મિથ્યાત્વના તત્ત્વમાં એકરૂપતા છતાં વિવરણમાં બધા ધર્મો જુદા પડી જાય છે પણ તૃષ્ણા અને તેના વિવરણમાં બધા ધર્મો એક છે એટલે આપણે સંસારના કારણ તરીકે તૃષ્ણાને વર્ણવીએ એ ઉચિત જ છે.
જે પોતાનું નથી, સમાજનું છે, સર્વ કોઈનું છે, તે ઉ૫૨ પોતાનો જ અધિકાર જમાવવા પ્રયત્ન કરવો તે તૃષ્ણા. આ તૃષ્ણામાંથી જ સર્વપાપોનો ઉદ્ભવ થાય છે. આટલી વાત સર્વ શાસ્ત્રોએ સ્વીકારી છે. અધિકાર જ્યારે કોઈ વસ્તુ ઉ૫૨ જમાવવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બીજાના હિતની બેપરવાઈ થાય છે અને માની લીધેલા પોતાના હિતમાં જ પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ સમાજહિતની વિરોધી હોવાથી જ ઈર્ષ્યા-દ્વેષનું કારણ બને છે, અને સરવાળે તો પોતાનું હિત પણ સાધી શકતી નથી, કારણ કે તે સમાજશત્રુ બની જતો હોવાથી તેના શત્રુઓ એક નહીં પણ અનેક બની જાય છે. આમ માની લીધેલા સ્વહિત ખાતર તે આખા સમાજને પોતાનો શત્રુ બનાવતો હોવાથી ખરી રીતે તે સ્વહિત સિદ્ધ કરે છે, એમ તો કહી જ ન શકાય. વસ્તુતઃ તે સ્વહિત કરવા જતાં પોતાનું અહિત જ કરી બેસે છે. આમ બનતું હોવાથી તૃષ્ણા એ સર્વ પાપનું મૂળ છે. જે કાર્ય કરવાથી સમાજમાં કશી પ્રતિક્રિયા ન થાય તે કાર્યનો સમાજ સાથે કશો સંબંધ નથી. અને એવા કાર્યના વિધિ કે નિષેધોનો કોઈ પણ ધર્મમાં અવસર જ નથી. તૃષ્ણા જેવા દોષોને ત્યાગવાનું કે નિર્મમભાવ વધારવાનું ધર્મશાસ્ત્રોમાં એટલા જ માટે કહેવામાં આવે છે કે તેથી સમાજમાં શાન્તિ બની રહે છે. જ્યાં કોઈ પણ બીજો મનુષ્ય ન હોય એવા જંગલમાં કોઈ એકલો જ રહેતો હોય ત્યાં તૃષ્ણા એ દોષ એટલા પ્રમાણમાં નથી બનતો જેટલા પ્રમાણમાં સમાજ વચ્ચે રહેનાર વ્યક્તિની તૃષ્ણા વસ્તુતઃ તૃષ્ણા વગેરે દોષો છે એ વસ્તુની પ્રતીતિ સમાજમાં જ થાય છે. અમુક દોષ છે અને અમુક ગુણ છે તેની વ્યાખ્યા સમાજના હિતાહિતને આધારે જ ઘડાઈ છે. એટલે ધર્મ એ તૃષ્ણાના ત્યાગમાં છે અને તૃષ્ણા એ સર્વ પાપોનું મૂળ છે એ નક્કી થયું.
હવે પ્રશ્ન એ થાય છે કે તૃષ્ણાનો ત્યાગ કરવો એટલું જ ધાર્મિક થવા માટે પર્યાપ્ત છે કે બીજું પણ કાંઈક કર્તવ્ય છે ? સામાન્ય રીતે ત્યાગપ્રધાન ધર્મોએ તૃષ્ણાત્યાગનો અર્થ કર્યો કે બધી વસ્તુ સાથેનો સંબંધ છોડી દેવો. એટલે કે મનુષ્ય સામાજિક પ્રાણી મટી જવું. શું આ વસ્તુ શક્ય છે ? ભગવાન મહાવીરે અને બુદ્ધે આ વસ્તુનો પ્રયોગ કરી જોયો. તેમણે પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org