________________
૨૯. વિવાદનાં કારણો
પ્રત્યેક મનુષ્યની સમજ, રુચિ અને શક્તિ સરખી નથી હોતી. પણ પ્રત્યેક જણ પોતાનું મનમાન્યું કરવા મંડી જાય તો જગત જે રૂપમાં આપણે જોઈએ છીએ તે રૂપમાં ન જ હોત. કેવું હોત તે આપણે ન કહી શકીએ, જે રૂપમાં જગત આપણે જોઈએ છીએ તે સંઘકાર્યને આભારી છે એમ કહેવામાં અતિશયોક્તિ તો નથી જ. આપણે માનીએ કે ન માનીએ પણ આપણા જીવનનો મોટો ભાગ બીજાઓની સંમિલિત સમજ, રુચિ અને શક્તિથી - નિષ્પન્ન જગતરૂપી મહાન કાર્ય પર નિર્ભર છે. કોઈ જો એમ કહેતો હોય કે મારે તો બીજાની જરૂર નથી જ પડતી, મારું જીવન મારા પોતાના જ પર નિર્ભર છે તો તે તદ્દન ખોટું છે, અશક્ય છે. જગતમાં જન્મ્યા ત્યારથી જગતનું ઋણ આપણા પર ચડી ચૂકે છે. એ ઋણમુક્ત થવા સંઘ કાર્યમાં જોડાવું એ પ્રત્યેક જન્મધારકની ફરજ થઈ પડે છે. અને પ્રત્યેક જણ જાણે કે અજાણે, ઇચ્છાથી કે અનિચ્છાથી કોઈ ને કોઈ સંઘમાં જોડાયેલો હોય જ છે. પ્રાચીન વર્ણવ્યવસ્થાથી માંડીને અત્યારનાં નાનાં નાનાં મંડળો સુધી નજર દોડાવો, સર્વત્ર જાણે કે અજાણે એ ઋણમુક્ત થવાના પ્રયત્નો જણાશે.
એ સંઘો, એ મંડળો સદાય એક જ રૂપમાં ચાલે તે તો અકલ્પનીય છે. બધી વ્યક્તિઓના વિચારો સદાય એકસરખા ન રહે એમાં અસ્વાભાવિક કાંઈ નથી. એટલે સંઘમાં સદાય અભેદ રહે એવી ઈચ્છા કરવી વધારે પડતી ગણાય. અમુક સમય એવો આવે છે જ્યારે ભેદ ફાટી નીકળે છે. કોઈ કોઈ સમય તો એ ભેદ આવશ્યક પણ હોય છે. પણ એ ભેદની ઉપેક્ષા નહિ કરવામાં જ આપણી બુદ્ધિની પરીક્ષા છે.
ભગવાન મહાવીરના પાવાપુરીમાં થયેલા નિર્વાણ પછી તેમના સુવ્યવસ્થિત સંઘમાં પણ અવ્યવસ્થાનું સામ્રાજ્ય જામ્યું હતું તેનું વર્ણન બૌદ્ધોના પિટકગ્રંથ મન્જિયનિકાય દીઘનિકાય વગેરે ગ્રંથોમાં મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org