________________
૩૯. નવવિચારકો અને દાન
શાસ્ત્રોએ દાનનો મહિમા ગાયો અને પરંપરાથી શાસ્ત્રવચનમાં એ મહિમાપાઠ થવા લાગ્યો એટલે સમાજમાં દાનની પ્રવૃત્તિ તો શરૂ થઈ ગઈ. પછી તો વસ્તુતઃ દાન શું કહેવાય, દાતા કેવો હોય, તેનું પાત્ર કોણ હોય, દાન ક્યારે અને કેવી રીતે દેવું,-એ બધું વિચારવાનું છોડી દઈ માત્ર દેવું એ દાન અને ગમે તે, ગમે ત્યારે, ગમે તેને, ગમે તેવી રીતે દે–એ બધું દાનની કોટિમાં ગણાવા લાગ્યું. જેમ પ્રત્યેક આચાર વિશે માત્ર રૂઢિ એ જ તેને પાળવાનું નિયામક તત્ત્વ થઈ પડ્યું છે, તેમ દાનની પણ એક રૂઢિ થઈ ગઈ અને આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ નિયમ કે આચાર જ્યારે રૂઢિનું રૂપ પકડી લે છે, ત્યારે તે નિયમ કે આચારના પાલનમાં વિચારને જરા પણ સ્થાન રહેતું નથી. એટલે દાને પણ જ્યારે રૂઢિનું રૂપ ધારણ કર્યું, ત્યારે તેની પાછળ કોઈ પણ જાતના વિચારને અવકાશ ન રહ્યો એ તો સ્પષ્ટ છે.
સમાજમાં આવી દાનની રૂઢિ સામે નવવિચારકોએ માથું ઊંચક્યું-જ્યાં ભક્તોને ભરપેટ ખાવાનું મળતું ન હોય, ત્યાં વીતરાગ ભગવાન માટે મહાલય બાંધવા કે તેમને હીરામાણેકથી વિભૂષિત કરવા; મજૂરોને રહેવા નાની કોટડીની પણ સગવડ ન હોય, છતાં ત્યાગીઓ માટે મોટા ઉપાશ્રયો બંધાવવા; પોતે અભણ રહીને પણ જ્ઞાનપંચમીના ઉજમણામાં પુસ્તકોની લહાણી કરવી; નોકરને ઠીક ઠીક ભોજન મળે છે કે નહિ, તેની દરકાર તો લેવી નહિ, પણ પોતાની તપસ્યાના ઉજમણામાં કે એવા કોઈ પ્રસંગમાં સંઘભોજન કરાવવું; ઘરે ભૂખ્યો ભિખારી માગવા આવે તો આદર તો ક્યાંથી હોય? હડધૂત કરી તેને પાછો કાઢતાં શરમ પણ ન આવે છતાં વેશધારી કોઈ પોતાના સંપ્રદાયનો સાધુ આવી ચડે તો આવશ્યક્તાથી અધિક પણ પરાણે આપવું;-આ અને આવી બીજી અનેક પ્રકારની દાનની રૂઢિઓ વિરુદ્ધ નવવિચારકોએ પોતાનું માથું ઊંચક્યું.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org