________________
૨૦૨ ૦ માથુરી લોકોએ જેમ પ્રત્યેક ક્ષેત્રે હિંસા-અહિંસાનો વિચાર કર્યો અને જીવનમાં યથાશક્ય ઉતારવાનો પણ પ્રયત્ન કર્યો. તો આજે પણ આપણે આપણી સમસ્યાનો ઉકેલ ધ્રુવતારક અહિંસાને સામે રાખીને કેમ ન કરીએ ? નાની નાની હિંસા અને વિવિધ ક્ષેત્રે થતી હિંસા જ છેવટે જીવનમાં સમગ્ર ભાવે વ્યાપ્ત થઈ જાય છે અને અહિંસાને સ્થાને હિંસાની પ્રતિષ્ઠા થાય છે. પણ જો આપણે જાગ્રત રહીએ અને એ અહિંસાના ધ્રુવતારાને કેન્દ્રમાં રાખીને જ જીવનની સમસ્યાનો ઉકેલ લાવવો છે એમ એક વાર દઢ નિશ્ચય કરીએ– જેવી રીતે કે ગાંધીજી આ દૃષ્ટિથી પ્રેરાયા હતા–તો ૪૨ કરોડની આ વિરાટ જનતા શું ન કરી શકે ? પણ તેમ કરવાને બદલે વિદેશમાં જે રીતે ચાલી રહ્યું છે તેને જ અનુસરવું હોય અને તેનું જ સમર્થન કરવું હોય તો પછી વાંદરાં તો શું ઘરડાં માબાપોને પણ ગોળીએ મારીને સુખે રહેવાના માર્ગ સુધી સહજભાવે આપણે પહોંચી જઈશું. અને જો રોગીને જ સમાપ્ત કરીએ તો વળી આ દવાદારૂની શોધની પણ શી જરૂર ? પણ આપણાથી એ બની શકશે નહિ. આપણા સંસ્કારો જ બળવો પોકારે છે. એ બળવાના અવાજને સાંભળવાનો વિવેક હજી ટકડ્યો છે અને એ વિવકને પણ બૂઠો બનાવીને વાંદરા મારવાનું જ સમર્થન કરવું હોય અને અહિંસાને માર્ગે આમાં બીજું કશું થઈ શકે તેમ છે જ નહિ એમ જ માની લેવું હોય, તો પછી આ દેશને માટે અહિંસાના નેતા બનવાનો આ અપૂર્વ અવસર છે તે એળે જ જશે. એટલે વિચારકોને આમાંથી અહિંસક માર્ગ કાઢવાનું આહ્વાન કરવાને બદલે હિંસાનું સમર્થન થાય છે તે તો આ દેશ માટે અને સરવાળે વિશ્વ માટે એક ભયંકર જ વસ્તુ છે. જીવનના એક ક્ષેત્રમાંથી હિંસા દૂર કર્યું ચાલવાનું નથી. પણ સમગ્ર ક્ષેત્રથી, અરે સમગ્ર માનવમાંથી, હિંસાનું રાજ્ય દૂર કરી અહિંસાનું સામ્રાજ્ય પ્રવર્તાવવાની હામ આપણે ભીડવા તૈયાર રહેવું જોઈએ. ભ. મહાવીરે અને બુદ્ધ તથા મહાભારત-પુરાણ આદિમાં અનેક મહર્ષિઓએ તો માનવ તો શું પણ પશુ પણ અહિંસક ભાવની તાલીમ પામી શકે છે–એ આદર્શ આ ભારતમાં સ્થાપ્યો છે. આવા અમૂલ્ય વારસાને વેડફી નાખવાના પાપમાંથી આપણે ઊગરી જઈએ એ અત્યંત જરૂરી છે.
પ્રબુદ્ધ જીવન ૧-૬-૧૯૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org