________________
૩૨. જૈન જીવન પ્રબુદ્ધ ક્યારે બનશે ?
ભ. મહાવીરના કાળે જૈન ધર્મ પ્રગતિશીલ હતો, તે કાળની ધાર્મિક માન્યતાઓનો વિરોધ કરવામાં તે અગ્રેસર હતો. તેનું તે તેજ ૨૫૦૦ વર્ષમાં વધુ ઉગ્ર બનવું જોઈએ તેને બદલે હણાતું હણાતું આજે મંદ બન્યું છે. કોઈ પણ નવો વિચાર પચાવવાની તાકાત તેનામાં રહી હોય એમ લાગતું નથી. પ્રચારને નામે આજે તેમાં માત્ર પોતાના શ્રાવકોને રોજ વ્યાખ્યાન આપવું— એથી વિશેષ કાંઈ નથી. વિદેશમાંથી મધર ટેરેસા જેવી ખ્રિસ્તી સાધ્વી આવી અહીં લોકોપકાર કરી દેશ-વિદેશમાં નામના કાઢે ત્યારે ચાર હજારથી પણ વધારે સંખ્યા ધરાવતો સાધ્વી સંઘ એવી એક પણ સાધ્વી આગળ કરી શકતો નથી જેનું નામ આ ભારતમાં પણ વિખ્યાત હોય, પ્રચારના અને સેવાના જે સાધનો છે તેનો ઉપયોગ કરવાનું વલણ આ સમાજમાં ક્યારે આવશે તે સમજાતું નથી. જૈન સમાજ વિશેની દેશ-વિદેશના વિદ્વાનોની ધારણા કે એ સમાજ તો કીડી-મંકોડીના રક્ષણમાં રસ ધરાવે છે, મનુષ્ય-સેવામાં નહીં-એ ચારે બદલાશે ? એ તો બદલાય જો નવી દિશામાં પ્રવૃત્તિ શરૂ થાય. પ્રજાને ગરીબીમાં સડવા દો તો એ દીક્ષા તરફ વળશે. આવી માન્યતા ધરાવનારા હજી પણ સમાજમાં જો પ્રતિષ્ઠિત હોય તો તેની પ્રગતિ સંભવે જ નહીં.
હમણા જ જણાવવામાં આવ્યું કે ઉપાધ્યાય શ્રી અમરમુનિએ સ્થા. સંઘમાંથી રાજીનામું આપ્યું હતું તેનું કારણ તેઓ પ્રગતિશીલ વિચારના હોઈ સમાજમાં ગૂંગળામણ અનુભવે છે એ છે. સ્થા. શ્રમણ સંઘની એકતા માટે તેમણે જે પ્રયાસ કર્યો હતો તે તેઓ જ કરી શકે તેમ હતું છતાં પણ આજે તેમને એ જ શ્રમણ સંઘમાંથી રાજીનામું આપવું પડે એ બતાવે છે કે સમાજ પીછેહઠમાં માને છે. કાંઈ પણ નવું વિચારવા કે કરવાની તાકાત ગુમાવી બેઠો છે. વાહનનો ઉપયોગ સકારણ તેમણે કર્યો તેમાં સમાજમાં જે હોહા મચી તે જ બતાવે છે કે આ સમાજમાં વિચારની તાકાત જ રહી નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org