________________
સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ - ૧૭૩ સંભવ છે કે છૂટી ગએલ ભૂલોને યાદ કરી તેનું પ્રાયશ્ચિત્ત કર્યું તે કરતાં વધારે ગંભીર પણ હોય. અને એ રીતે કેટલીક ગંભીર ભૂલોનું પ્રાયશ્ચિત્ત છૂટી જાય. અહીંયાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વર્તમાન પ્રતિક્રમણમાં જે અતિચાર ગણાવવામાં આવ્યા છે તે પ્રાચીન કાળમાં સામાન્યપણે જે ભૂલો થવાનો સંભવ જણાયો તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી કે મનુષ્ય એટલી જ ભૂલો કરે-એથી વધારે નહિ. તે તો માત્ર તે સમયની સામાન્ય ભૂલોની તાલિકા ગણી શકાય. પરંતુ તેટલી ભૂલો નિશ્ચિત સમયે સૂત્ર પાઠની મદદથી યાદ કરીને પ્રતિક્રમણની ઇતિશ્રી માનવી એ ગંભીર ભૂલ છે. વળી એવો નિશ્ચિત સમય હોવાથી વ્યક્તિઓનું માનસ એવું ઘડાઈ જાય કે યથાસમય પ્રતિક્રમણ થશે, એમ માનીને જે સમયે ભૂલ થઈ હોય તે જ ક્ષણે તેના પર વિચાર કરવા થંભી શકે નહિ. આપણા પ્રતિક્રમણે આ પરિસ્થિતિ ઊભી કરી છે એ ઉઘાડી આંખે જોનારથી અજાણ્યું રહે તેવું નથી. આપણે
જ્યારે વ્રતમાં કાંઈ દોષ આવ્યો હોય ત્યારે અથવા ગમે તેવી ભૂલ થઈ હોય ત્યારે એ ભૂલ કેમ થઈ વગેરે વિચારવા તે જ ક્ષણે થોભતા નથી પરંતુ એ બધું સાંજ કે સવાર માટે છોડી દઈએ છીએ. અને તે વખતે આપણે સૂત્ર પાઠ સામે રાખીને વિચારવાનું હોય છે તેથી જે ભૂલોનો નિર્દેશ એ સૂત્ર પાઠમાં ન હોય તે છૂટી જાય છે. અને એ રીતે આપણે પ્રતિક્રમણ કર્યું છે એમ માનીએ છતાં વાસ્તવિક રીતે એ પ્રતિક્રમણ પૂર્ણ થયું હોતું જ નથી. તેથી આપણે પ્રતિક્રમણના એક નિશ્ચિત સમય પર ભાર આપીએ છીએ તે ત્યાંથી ઉઠાવી લઈ જે ક્ષણે જે ભૂલ થઈ હોય તેનું તેજ ક્ષણે પ્રાયશ્ચિત્ત થવું જોઈએ એ વાત પર ભાર મૂકીએ. અને અત્યારે ચાલે છે તેમ સાથે સાથે પ્રતિક્રમણ માટે એક નિશ્ચિત સમય પણ રાખવામાં આવે તો તે ખોટું નથી. પરંતુ તેને જેટલું મહત્ત્વ અપાય છે તે આપવાની જરૂર નથી. કારણકે તેમાં આપણે ઉપર જોયું તે પ્રમાણે પ્રતિક્રમણનો આત્મા મરી જાય છે.
ભગવાન મહાવીર પહેલા જેમ અત્યારે હંમેશ સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનો રિવાજ છે તેવો રિવાજ ન હતો. પરંતુ જે ભૂલ જયારે થઈ હોય તે ભૂલનું ત્યારે જ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ એવો રિવાજ હતો. એની શાસ્ત્રો સાક્ષી પૂરે છે. પરંતુ જયારે મહાવીરે ઉપદેશક જીવન શરૂ કર્યું ત્યારે તેમના સંઘમાં જે ભળ્યા તેઓએ એ નિયમનો દુરુપયોગ કર્યો હશે તેથી તેમણે ભૂલ થઈ હોય કે ન થઈ હોય પરંતુ વ્રતધારીએ સવારસાંજ પ્રતિક્રમણ કરવું જ
જોઈએ એવો નિયમ બનાવ્યો. ત્યારથી સાધુ અને શ્રાવકોમાં સવારસાંજ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org