________________
૧૪૦ ૭ માથુરી
મારામાં અનંત શક્તિ છે એ પણ સાચું. છતાંય તને કેવલજ્ઞાન આપવાની શક્તિ તો મારામાં નથી જ. એ શક્તિ તો તારામાં રહેલી છે. મારા પરનો મોહ નષ્ટ કરીને તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા તું પોતે શક્તિવંત છે, અને જ્યારે એ સૂત્રનું પૂરેપૂરું ભાન ગૌતમને થયું ત્યારે જ તેણે કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
મહાવીરનો તો સતત એ જ ઉપદેશ રહ્યો છે કે તમે સ્વાવલંબી બનો, પરાશ્રયી ન બનો છતાં એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લોકોએ તેમનો આશ્રય શોધ્યો ! તેમની મૂર્તિનો આશ્રય શોધ્યો ! અને માન્યું કે હાશ ! હવે તો આપણો બેડો પાર છે ! પણ તેમને ક્યાં ખબર હતી કે પરાશ્રયીને મોક્ષ જ નથી.
લોંકાશાહે એ મૂર્તિનો વિરોધ કર્યો. ફલ એ આવ્યું કે મૂર્તિ છોડીને એ પરાશ્રયી માનસે સાધુઓનો આશ્રય શોધ્યો. તે એટલે સુધી કે અત્યારે તો એવું માનસ કેળવાઈ ગયું છે કે આપણો તો આધાર માત્ર સાધુસમાજ ! એ સંસ્થા નહિ હોય તો આપણે નરકનાં દ્વાર જ દેખવાં પડશે ! અને તેથી જ સાધુ સાધુ છે કે નહીં તે જાણવાની પણ દરકાર કર્યા વગર આંધળા થઈને એ નામધારી સાધુની આજ્ઞા કે ઉપદેશ પર પોતાની સમજશક્તિનું બલિદાન કરવા આ સાધુમાર્ગી સમાજ તૈયાર થઈ ગયો છે. તેમના કાનમાં ફરી એક વાર મહાવીરના એ વીર મંત્ર‘સ્વાશ્રયી બનો, પરાશ્રય છોડો’– ફૂંકવાની જરૂર છે. એ વીરમંત્રોચ્ચારથી સાધુમાર્ગી સમાજ ફરી એક વાર સતેજ થઈ સાધુ સમાજને સંભળાવી દે કે હવે અમો પરાશ્રયી નથી. અમો તમારી પાસેથી ઉપદેશ જરૂર લઈશું. પરંતુ એ માર્ગ પર ચાલતા પહેલાં સો વાર વિચારીશું કે આમાં અમારું હિત–એકાંત હિત–રહેલું છે કે નહિ અને અમારી એ કસોટીમાંથી તમારો ઉપદેશ પસાર થઈ જશે તો અમારો એ માર્ગ રહેશે, નહિતર તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે.
જૈન પ્રકાશ ૨૭-૫-૧૯૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org