________________
૧૧૮ ૦ માથુરી
સ્તૂપો બન્યા અને આ બધું નિવૃત્તિના પોષણ અર્થે મનાયું. પ્રવૃત્તિ કરીને નિવૃત્તિનું પોષણ કરવું એવો વિચિત્ર સિદ્ધાંત ચલાવવામાં આવ્યો. આની પ્રતિક્રિયા સ્થાનકવાસીઓમાં થઈ અને તેઓ આ બધા આડંબરમાંથી કેટલુંક દૂર કરીને પાછા આખા સમાજને નિવૃત્તિ તરફ લઈ જવા પ્રયત્ન કરવા લાગ્યા. તેમના એ પ્રયત્નથી પણ અસંતુષ્ટ થઈને ઉત્કટ નિવૃત્તિનો માર્ગ તેરાપંથીએ પકડ્યો. આમ આ એક ચક્ર પૂરું થયું, પણ જૈન સમાજ હજી એ નિવૃત્તિના ચક્રથી બહાર નીકળી શક્યો નથી. દિગંબર હોય, શ્વે. મૂર્તિપૂજક હોય કે સ્થાનકવાસી કે તેરાપંથી હોય—એ બધાને ભગવાનનો ધર્મ અત્યન્ત નિવૃત્તિમાં જ જણાય છે. જો કોઈ નિવૃત્તિમાં થોડી પણ પ્રવૃત્તિને સમન્વિત. કરવાની વાત કરે છે તો તેને તરત જૈન ધર્મની પરિભાષા પ્રમાણે મિથ્યાત્વનું બિરુદ મળી જાય છે. આજ કાલ જૈન સાંપ્રદાયિક છાપાઓમાં મુનિશ્રી સંતબાલની પ્રવૃત્તિની નિંદા કરે છે તેના મૂળમાં નિવૃત્તિના એ દૃઢમૂળ ખ્યાલ સિવાય બીજું કશું જ નથી. એટલે હવે એ પ્રશ્ન જ વિચારવાનો રહે છે કે તૃષ્ણાનો ત્યાગ અને નિવૃત્તિ-પ્રવૃત્તિને પરસ્પર શો સંબંધ છે.
ઉપર કહ્યું જ છે કે તૃષ્ણા એટલા માટે ખરાબ છે કે તેથી સ્વ તેમ જ ૫૨ હિત થવાને બદલે બન્નેનું અહિત થાય છે. પણ જો માણસ બધાનું ભલું કરવાની તૃષ્ણા રાખે અર્થાત્ બધાને પોતાના બનાવે; થોડાને બદલે બધાને પોતાના માને તો તે તૃષ્ણા તૃષ્ણા રહેતી નથી. તૃષ્ણામાં દોષ રહેતો નથી. એટલે એ તૃષ્ણામાં બંધ નથી. સ્વયં ભગવાને જ્ઞાન થયા પછી જ્યાં તેમના ઉપદેશના ગ્રાહકો બેઠા હતા ત્યાં એક રાતમાં લાંબો વિહાર કર્યો એ શું એકાંતનિવૃત્તિનો પોષક હતો ? તેમની એ પ્રવૃત્તિ શારીરિક હતી કે નહીં ? જો હતી તો અત્યારે કોઈ સાધુ શરીરથી કોઈની સેવા કરે છે તો તેમાં તેની પ્રવૃત્તિમાં શો દોષ છે ? હા, એટલું અવશ્ય જોવું જોઇએ કે એ પ્રવૃત્તિમાં તેનો પોતાનો સ્વાર્થ છે કે નહીં ? એ સ્વાર્થ જો હીનકોટીનો હોય અર્થાત્ એથી તેની પોતાની સુખ-સગવડમાં વૃદ્ધિની આશા હોય તો આપણે તે પ્રવૃત્તિને ધર્માનુકૂલ ન ગણીએ. પણ જેમાં તેના પોતાના શરીરને તો કષ્ટ જ પડવાનું છે અને લાભ તો બીજાને જ થવાનો છે એવી પ્રવૃત્તિ કર્મબંધક શા માટે થાય ? મોઢેથી ઉપદેશ આપવામાં પાપ ન થાય અને હાથ પકડી ખાણમાં પડતો બચાવવામાં પાપ થાય એ કયા પ્રકારની પાપની વ્યાખ્યા છે તે સમજાતું નથી. હાથ અને મોઢું બન્ને શરીરાંગ છે. બન્ને પ્રવૃત્તિ પાછળ બીજાના ભલાનો જ ભાવ છે તો પછી એકમાં પાપ નહીં અને બીજામાં પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org