________________
મહાવીરના શ્રાવકોને ! • ૧૨૭
વળી પાછો એનો એ જ શિથિલાચાર લીંબડીના શ્રીસંઘને અસહ્ય બને છે અને તેનો ઉપચાર હાથ ધરે છે. સદાચારી સાધુ અને શ્રાવકોએ મળીને નિયમો ઘડ્યા. અને સાધુસંઘને સંભળાવી દીધું કે આ નિયમો માન્ય કરશો તો જ સાધુસંસ્થામાં સ્થાન પામશો, નહિ તો એ સંસ્થામાં તમારું અસ્તિત્વ અમને કોઈ પણ રીતે મંજૂર નથી. આ પ્રમાણે ફરી એક વાર ઉદ્ધાર થયો.
આપણે હજુ ગઈ કાલની જ વાત છે. સમસ્ત સ્થા. સાધુસમાજે આચારશુદ્ધિ અને ઐક્યની યોજના અજમેર મુકામે કરી.
સ્થાનકવાસી સમાજના ક્રાંતિથી પરિપૂર્ણ ભવ્ય ભૂતકાળની આ થઈ યશોગાથા.
જે સમાજનો ભૂતકાળ આટલી આટલી ક્રાંતિઓથી ભરપૂર છે એ સમાજ પોતાના અસ્તિત્વની નિદાનકથા ભૂલ્યો છે. ક્રાંતિપૂર્ણ ઇતિહાસ ભૂલ્યો છે. સમસ્ત ભૂલ્યો છે. યાદ રાખ્યા છે માત્ર કલહકારી ઉપદેશો. ફરી પાછી એની એ ક્રાંતિની આવશ્યકતા ઊભી થઈ છે.
ભૂતકાળમાં સ્થાનકવાસી કદી કોઈ સાધુના ઉપાસકો થયા નથી પરંતુ તેની સાધુતાના ઉપાસકો રહ્યા છે અને તેથી જ તેના ઇતિહાસમાં સાધુઓના આચાર સામે પ્રચંડ બળવા નોંધાયા છે. જ્યાં જ્યાં એ સાધુતાનો લોપ નજરે પડ્યો છે ત્યાં એ સ્થાનકવાસીને અસહ્ય બન્યું છે અને તેના સામે પ્રચંડ બળવો ઉઠાવ્યો છે.
આજ એ તેજસ્વી બળવાખોરોનાં નિઃસત્ત્વ સંતાનો પોતાના ભવ્ય ભૂતકાળને ભૂલ્યાં છે. સાધુતાને નહિ પણ સાધુ નામધારી વ્યક્તિઓના પૂજક બન્યા છે. મહાવીરની જડ પણ સૌમ્યાકાર મૂર્તિથી દૂર ભાગનાર એ શ્રાવકો આજે કલહકારી ચેતનવંત રૌદ્રાકાર મૂર્તિઓને પૂજતા થાય છે, તેમની પાછળ ગાંડાધેલા થયા છે.
એ વીર લોકાશાહના વંશજોને આ શરમભરેલું ગણાય. આમાં પૂર્વજોના મહા પરિશ્રમે ઉપાર્જિત સુયશને કલંકિત કરવા જેવું થાય. લોંકાશાહના વીર પુત્રો ! ફરી એક વાર તમારા સ્વરૂપને યાદ કરો, ફરી એ લોંકાશાહનો પુનિત મંત્ર યાદ કરો. એક ઘડીને માટે તમારા માની લીધેલા ગુરુઓના ઉપદેશોથી પર જઈને મહાવીરની આજ્ઞા વિચારો અને જાહેર કરો કે આજથી અમો મહાવીરના શ્રાવકો બનીશું, સાધુતાના રક્ષક બનીશું અને સાંપ્રદાયિક મોહનો સદંતર નાશ કરીશું.
જૈન પ્રકાશ ૨૯-૪-૧૯૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org