________________
૨૭. ધર્મસમન્વયની ભાવના
આપણો દેશ અનેક ધર્મોની ભૂમિ છે એટલે એક રીતે જોઈએ તો તેથી ધર્મોને પોતાને આત્મસુધારનો અવકાશ મળી રહે છે, કોઈ પણ ધર્મ તેના તે જ રૂપમાં ટકી શકતો નથી. તેણે આધુનિક થવું જ પડે છે. અને આધુનિક થવું એટલે સતત જાગ્રત રહી પરિવર્તન કરવું એ છે. આવું પરિવર્તન કરવામાં બધા ધર્મોએ અનેક બાબતોમાં સાધર્મ કેળવવું પડે છે. આમ થવાથી ધર્મોનું વૈવિધ્ય ઓછું થાય છે અને સમન્વય તરફ પ્રયાણ થાય છે. આથી તે તે ધર્મો એક તો થઈ જતા નથી પણ તેમનો વિરોધ ઓછો થઈ જાય છે અને વિરોધ ઓછો થાય એથી જ સર્વધર્મ-સમન્વયનાં મૂળ દૃઢ થાય છે. આ બાબતને આપણે જરા વિગતે ચર્ચીએ.
ભારતના મૂળ નિવાસીઓનો ધર્મ કેવો હતો એની તો માત્ર થોડા જ અવશેષોને આધારે કલ્પના જ કરવાની છે. જે કાંઈ અવશેષો મોહન-જો-ડેરો અને હડપ્પામાંથી કે અન્યત્ર મળ્યા છે તે એટલું તો કહી જાય છે કે આપણા ભારતના મૂળ નિવાસીઓનું ધ્યાન યોગ તરફ હશે. તે યોગમાં શી પ્રક્રિયા હશે અને તેઓ શેનું ધ્યાન કરતા હશે એ વિગતો મેળવવાનું સાધન નથી પણ તેમનું ધાર્મિક વલણ યોગનું હશે એવું ઐકમત્ય તે વિદ્વાનોમાં સધાયું છે. યોગના ધાર્મિક વલણવાળી એ મૂળ ભારતીય પ્રજાનો સંપર્ક, ભારતથી બહારના પ્રદેશમાંથી આવી ભારતમાં વિજયી થનાર આર્યપ્રજા સાથે થયો. ધર્મસમન્વયનું આ પ્રથમ પ્રકરણ છે.
ભારતીય શાંત-સ્થિર નગરજનો ઉત્સાહથી થનગનતી ઘુમક્કડ પ્રજાના સંપર્કમાં આવ્યા. ભારતીય પ્રજાએ જે નગરસંસ્કૃતિનો વિકાસ કર્યો હતો અને શાંત-સ્થિર જીવનનો જે મહિમા હતો તેમાં ગાબડું પડ્યું. યુદ્ધો થયાં, ભારતીય પ્રજાની હાર થઈ અને આર્યોનું પ્રભુત્વ જામ્યું. આર્યો ભારતમાં સ્થિર થયા અને ભારતીય બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org