________________
૨૪. મહાવીરના શ્રાવકોને !
History repeats itself એ વાક્ય અનેક દૃષ્ટિએ ભલે ખોટું ઠરી ચૂક્યું હોય પરંતુ સ્થાનકવાસી સમાજ માટે તો તેના ચારસો વર્ષના ઇતિહાસમાં સદા સાચું જ પડતું આવ્યું છે.
પંદરમી સદીમાં એની શરૂઆત થઈ એ સમયે એક તરફ મહાવીરનાં શાસ્ત્રો અને બીજી તરફ તે શાસ્ત્રો પ્રમાણે ચાલવાનો દાવો કરનારા સાધુઓ; એ બન્નેની પરીક્ષા કરનાર વીર નર લોંકાશાહનું લોહી ઊકળી આવ્યું. જેઓની ચરણરજ લેવામાં હજુ ગઈ કાલ સુધી પોતાને ધન્ય માનનાર એ વીર શ્રાવકે જ્યારે મહાવીરનાં શાસ્ત્રો વાંચ્યાં અને વિચાર્યું ત્યારે એ ગુરુઓને સાફ સાફ સંભળાવી દીધું કે ‘મહારાજ ! ઘણાં વર્ષો સુધી અજ્ઞાનાંધકારમાં અમને રાખ્યા છે. તમારા પોતાના મનોકલ્પિત ભાવોને મહાવીરના નામે ચડાવ્યા છે. પરંતુ હવે એ સમય વીતી ગયો છે. હવે તો અમારી આંખો પણ ઊઘડી ગઈ છે. તમારું વર્તન તમે શાસ્રસિદ્ધ કરી બતાવો તો આ મસ્તક હજુ પણ તમને નમવા તૈયાર છે નહિતર આજથી તમે મારા ગુરુ નહિ અને હું તમારો શ્રાવક નહિ.'
લોંકાશાહની આ વીર હાક સાંભળીને સાધુસંસ્થા કંપી ઊઠી. અનેક શ્રાવકોએ લોંકાશાહની એ વીરગર્જનાને વધાવી લીધી, અનેકે તેના મત પ્રમાણે શાસ્રસંમત દીક્ષા લીધી અને શિથિલાચારી સાધુસમાજને નિર્બળ, નિસ્તેજ બનાવી દીધો. આ થઈ સ્થાનકવાસીઓની નિદાન કથા.
ફરી પાછો સમય બદલાયો, એ ઉત્સાહ, એ વીર્ય સમયના પ્રવાહમાં તણાઈ ગયા અને પાછું નૂતન સમાજમાં એનું એ જ શિથિલાચારનું સામ્રાજ્ય પ્રવર્ત્યે.
ઊંડે ઊંડે પણ લોંકાશાહનો એ અમર અવાજ અસ્તિત્વમાં હતો. પરિણામે ધર્મસિંહજી-ધર્મદાસજીએ ફરી એની એની એ જ હાકલ સમાજને સંભળાવી અને સાધુસમાજને ફરી સતેજ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org