________________
૧૨૨ ૭ માથુરી
ન હતું. પણ આત્માના પુરુષાર્થને મહત્ત્વ હતું, પુરોહિતને ન હતું. પરંતુ આજે આપણે પાછા ભગવાન મહાવીરના ઉપદેશથી વિરુદ્ધ જઈને મંત્રશક્તિ પાછળ ગાંડા થયા છીએ. નિત્ય નિત્ય નવા નવા મંત્રનાં અનુષ્ઠાનો સાધુમુનિરાજો શોધી કાઢે છે અને ભોળી અજ્ઞાન પ્રજાને ભરમાવીને પુરુષાર્થનો માર્ગ છોડી મંત્રના માર્ગે લઈ જાય છે. આ ભ. મહાવીરનો ધર્મ નથી, પણ કાંઈક જુદું જ ધર્મને નામે થઈ રહ્યું છે.
વેદમાં દેવોની પ્રાર્થના થતી અને તેઓ પ્રસન્ન થાય તો ફલપ્રદાન કરતા હતા. પણ પછીના કાળે જ્યારે ઈશ્વરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કર્મવાદનું પ્રાબલ્ય તો હતું જ એટલે મનાયું કે ઈશ્વર સર્વશક્તિમાન ખરો પણ તે પણ કર્મને આધીન તો છે જ. એટલે કે જીવોએ જેવાં કર્મ કર્યાં હોય તેને અનુસરીને જ ઈશ્વર ફલ આપી શકે, અન્યથા નહિ. આથી વિરુદ્ધ જ્યારે ભક્તિમાર્ગ પ્રબળ બન્યો ત્યારે ઈશ્વરમાં પ્રસાદશક્તિનું આરોપણ થયું અને તે પ્રસાદશક્તિ વડે ઈશ્વર ચાહે તેવું ફળ જીવોને આપી શકે તેમ મનાયું. આમ કર્મ નહિ પણ ઈશ્વરનો પ્રસાદ એ મહત્ત્વનું હતું. એટલે ભક્તિમાર્ગીઓ ઈશ્વરને પ્રસન્ન કરવા એક ભક્તિમાર્ગનું અનુસરણ કરવા લાગ્યા. પરિણામે આપણે મધ્યકાળનાં જૈન સ્તવનોમાં પણ આની અસર જોઈ શકીએ છીએ. જૈન અરિહંતો તો વીતરાગ છે. એટલે તેમના પ્રત્યેની ભક્તિ એકપક્ષીય જ હોઈ શકે એમ જાણવા છતાં અને સ્વીકારવા છતાં, મધ્યકાળનાં જૈન સ્તવનોમાં ભક્તિમાર્ગની અસર સ્પષ્ટ દેખાય છે, જેમાં પુરુષાર્થવાદને કોઈ સ્થાન નથી, આમ મૂળ ભ. મહાવીરનો કર્મસિદ્ધાંત ભક્તિમાર્ગનું રૂપ લે ત્યારે પુરુષાર્થ હણાય એ સ્વાભાવિક છે.
આ પ્રકારે પુરુષાર્થ હણવામાં ભગવાન મહાવીરની સર્વજ્ઞતાને પણ આગળ ધરવામાં આવે છે. ભગવાને પોતાના જ્ઞાનમાં જે દીઠું હશે તે જ થવાનું છે—આવી ઘોષણા શ્રી કાનજીસ્વામી કરે કે પછી શ્રી અરવિંદ આશ્રમવાળા માને કે એકની યોગસાધનાથી સમગ્ર સંસારમાં પરિવર્તન લાવી શકાય છે—આમાં કાંઈ ફરક છે જ નહિ. બન્નેમાં પુરુષાર્થને હણવાની જ વાત આવે છે. આપણી આ અજ્ઞાન પ્રજાને ઊલટે માર્ગે જ લઈ જવાની વાત છે. હજારો વર્ષથી આ પ્રજાને ભાગ્યવાદ અને નિષ્ક્રિયતાનો ઉપદેશ મળ્યો છે. પરિણામે આટલી મોટી વસતી છતાં દુઃખ અને દારિદ્રય, આળસ અને નિષ્ક્રિયતા આપણા જીવનમાં જડાઈ ગયાં છે. જીવનનો ઉત્સાહ કે પુરુષાર્થની તમન્ના લુપ્ત થઈ ગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org