________________
૧૮. જીવન અને અધ્યાત્મ
: ૧ :
જીવન શબ્દનો પ્રાણધારણ એ મુખ્ય અર્થ છે. અધ્યાત્મનો અર્થ આત્મનિષ્ઠા એમ કરીએ તો ચાલે. હવે વિચારવું એ પ્રાપ્ત છે કે પ્રાણધારણ અને આત્મનિષ્ઠા એ બન્નેને શો સંબંધ છે ? વિનાસંકોચે એમ કહી શકાય કે આત્મનિષ્ઠા માટે પ્રાણધારણ છે. પ્રાણધારણ માટે આત્મનિષ્ઠા નથી. પરંતુ
આ કથન મુમુક્ષુની દૃષ્ટિએ જ સાચું છે જેને જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય નથી પણ માત્ર જીવવું, ગમે તે રીતે પ્રાણને ટકાવી રાખવો એ જ ધ્યેય છે તેને માટે જીવનનો કશો જ અર્થ નથી, કશું જ પ્રયોજન નથી. જીવવું એ જ સ્વયં પ્રયોજન છે. અહીં આપણે એમની દૃષ્ટિએ વિચાર નથી કરવો, પણ જેમને મન જીવન એ સાધન છે, સાધ્ય નથી; સાધ્ય તો આત્મનિષ્ઠા છે તેમને લક્ષીને થોડો વિચાર કરવો છે.
આત્મનિષ્ઠા એ અધ્યાત્મ છે તો જીવન એ ભૌતિક છે એ વસ્તુ સ્પષ્ટ થવી આવશ્યક છે. જૈન દૃષ્ટિએ જ્યારે જીવમુક્ત થાય છે અર્થાત્ આત્મનિષ્ઠ થાય છે ત્યારે પ્રાણધારણ તેના સ્થૂલ અર્થમાં રહેતું નથી. એટલે કે માત્ર ભાવ પ્રાણ છે—અર્થાત્ આત્માને આત્મા સિવાય અન્યની સહાયતા નથી. જૈન દૃષ્ટિએ જ નહિ પણ બધા અધ્યાત્મધર્મોની દૃષ્ટિએ એમ કહી શકાય કે મુક્ત આત્મા શુદ્ધ છે, અસહાય છે, સ્વનિષ્ઠ છે. તેને પ્રાણધારણ નથી. તે અભૌતિક છે. આથી સ્પષ્ટ થશે કે જીવન એ ભૌતિક છે. સાધના એ કશું જ નથી પણ ભૌતિક મટી અભૌતિક બનવાની પ્રક્રિયા છે. સાથે એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે ભૌતિક એ નિરર્થક નથી તેની પણ સાધનાપર્યંત આવશ્યકતા છે. કર્મબંધનું કારણ ક્રિયા છે એમ સ્વીકારીએ, સંસારનું કારણ ક્રિયા છે એમ સ્વીકારીએ છતાં કર્મમોક્ષનું કારણ પણ ક્રિયાને જ માનવી પડે છે. ગાંઠ બાંધવામાં એક પ્રકારની ક્રિયા છે તો તેને છોડવામાં બીજા પ્રકારની ક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org