________________
૧૬. વ્યાવહારિક અનેકાંત આજના પ્રશ્નોનો ઉકેલ
જૈનો અનેકાંતવાદી છે. અનેકાંતને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. શાસ્ત્રીય અનેકાંત અને લૌકિક અથવા વ્યવહારિક અનેકાંત. તત્ત્વ-વસ્તુના સ્વરૂપને ટૂંકી દૃષ્ટિએ નહિ. પણ સર્વસંગ્રાહી વ્યાપક દૃષ્ટિએ જોવું તે શાસ્ત્રીય અનેકાંત. એને તાત્વિક અનેકાંત પણ કહી શકાય. અને પ્રતિદિનના વ્યવહારમાં ટૂંકી દૃષ્ટિએ નહિ પણ વ્યાપક દૃષ્ટિથી કામ લેવું તે વ્યાવહારિક અનેકાંત.
શાસ્ત્રીય અનેકાંતના મૂળમાં અહિંસા, સમભાવ આદિ ગુણોને સ્થાન નથી એમ તો ન કહેવાય. પણ તેમાં તો મુખ્યપણે સમન્વય દૃષ્ટિ કામ કરે છે. એ સમન્વય દૃષ્ટિનો ઉદ્ભવ તો અહિંસામાંથી થયેલો હોય છે. પણ પ્રત્યેક બાબતના વિચાર વખતે આપણી સામે અહિંસા ન આવતાં સમન્વય દૃષ્ટિ આવે છે અને એ સમન્વય દૃષ્ટિથી તત્ત્વવસ્તુવિષયક ઝીણી ઝીણી વિગતોની પરીક્ષા કરીએ છીએ અને એ વિગતોને યથાસ્થાને ગોઠવીએ છીએ. આ ગોઠવણી વખતે હિંસા-અહિંસાનો પ્રશ્ન ગૌણ બની જાય છે. પણ રજૂ થયેલી હકીકતો સત્ય વસ્તુની કેટલી નજીક છે તે જ તપાસવાનું હોય છે. એટલે કે કોઈ પણ એક તત્ત્વ-વસ્તુ વિશેના જે અનેક વિચારો જેમ કે આત્મા એક છે કે અનેક, તે નિત્ય છે કે અનિત્ય, ચેતન છે કે જડ આદિ-જગતમાં પ્રવર્તતા હોય તેનો મેળ બેસાડવાનું કામ શાસ્ત્રીય અનેકાંતનું છે. ટૂંકમાં તત્ત્વજ્ઞાન તેનું ક્ષેત્ર કહી શકાય.
અહીં એટલું સમજી લેવું જોઈએ કે બધા જ વિચારોનો મેળ બેસી જ શકે છે એમ તો ન કહી શકાય. મેળ બેસાડવાની પણ મર્યાદાઓ હોય છે અને તે એ કે કોઈ પણ વિચાર કેમ ન હોય પણ તે વસ્તુના સત્ય સ્વરૂપ તરફ લઈ જતો હોય તો જ તેનો મેળ બેસાડવાનો પ્રયત્ન થાય છે. પણ જો તેથી વિપરીત હોય તો તેવા વિચારને ફેંકી દેવો એ જ તેનો મેળ બેસાર્યો કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org