________________
૯૦૦ માથુરી
તો સર્વદાર્શનિકોને સંમત છે કે એ બધાં તત્ત્વોનું જ્ઞાન કરાવી આત્મ— અનાત્મનો વિવેક સાધકને કરાવવો. ભારતીય કોઈ પણ દાર્શનિક આ વિવેકને અમાન્ય નથી કરતો અને સૌ કોઈ સ્વીકારે છે કે આત્મ-અનાત્મના અવિવેકને કારણે જ મારા—તારાની ભાવના થાય છે અને રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે. આથી ભારતના પ્રત્યેક દર્શનમાં આ અવિવેકનું જે નિરાકરણ ઇષ્ટ છે તો કોઈ પણ દર્શનનો આશ્રય લઈ સાધક એ અવિવેકને ટાળી આત્મદર્શન કરી શકે છે અને તેથી મોક્ષને પણ પામી શકે છે એમ માનવામાં કશો જ વાંધો નથી. એટલે કે તત્ત્વજ્ઞાનમાં ભલે પરસ્પર વિરોધ દેખીતી રીતે કે વાસ્તવિક રીતે હોય, પણ તેથી કરીને તે બધાં દર્શનો આત્મ-અનાત્મનો વિવેક કરાવવા અસમર્થ છે એમ ન કહી શકાય. કારણ કે તેમના એ વિરોધી દેખાતા તત્ત્વજ્ઞાનનો એકમાત્ર ઉદ્દેશ એ વિવેક કરાવવો એ જ છે. આત્માથી અતિરિક્ત પદાર્થો ન માનો તો પણ એમ કહી શકાય, કે જે કાંઈ છે તે આત્મા જ છે, માટે સ્વપરનો ભેદ કરી રાગદ્વેષ શા માટે કરવા ? અને આત્માથી અતિરિક્ત એક કે અનેક પદાર્થો હોય તો પણ એમ કહી શકાય કે તારાથી ભિન્ન જે વસ્તુઓ છે તે તારી નથી, કોઈની નથી, સૌ સ્વતંત્ર છે. તો તેમાંથી કોઈ એકને પસંદ કરી તેમાં રાગ અને બીજીને નાપસંદ કરી તેમાં દ્વેષ શા માટે ? તું તારા સ્વરૂપનો જ વિચાર કરે તો જણાશે કે તું પોતે ચૈતન્યરૂપ અને એ બધી જડ. એ જડ-ચેતનનો મેળ શી રીતે ? માટે ચેતન થઈને એ જડના બંધનમાં શા માટે પડે છે ? આમ જડ-ચેતનરૂપ અનેક વસ્તુઓનું અસ્તિત્વ માનનાર દાર્શનિકો પણ આત્મ-અનાત્મ વિવેક કરાવી જ શકે છે. આથી નિઃસંશયપણે એમ કહી શકાય કે ભારતીય પ્રત્યેક દર્શનનો દાવો કે આ તત્ત્વજ્ઞાનથી મોક્ષ થાય છે—એ સાચો જ છે.
મોક્ષનાં કારણો
હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. કે જ્ઞાન, ક્રિયા, ભક્તિ કે જ્ઞાન-ક્રિયા એ મોક્ષનું કારણ છે ? આમાં પણ ઉપર ઉપરથી વિચારતાં વિરોધ જણાય છે, પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો વિરોધ જેવું કશું જ નથી રહેતું. અહીં એક વાત આપણે સર્વ પ્રથમ જાણી લઈએ કે યોગદર્શનની વૃત્તિઓના નાશની વાતને તો બધાં દર્શનોએ કે પક્ષોએ સ્વીકારી જ છે. અને પછી જ્ઞાન આદિને કારણ તરીકે સ્વીકાર્યું છે. એટલે કે જ્ઞાનવાદીઓને મતે જ્ઞાન એ કારણ ખરું, પણ એ જ્ઞાનના મૂળમાં રાગદ્વેષની વૃત્તિઓથી રહિત થયેલો આત્મા હોય તો જ તેનું જ્ઞાન મોક્ષનું કારણ બને છે. એ જ પ્રકારે ક્રિયા એટલે આચરણને મોક્ષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org