________________
૮૨૦ માથુરી
તાત્પર્ય એ કે સમન્વયકર્તાની સામે ધ્રુવ તારો સત્ય છે અને તેની આસપાસ જ સમન્વયદૃષ્ટિ કામ કરે છે.
આ સમન્વયમાંથી જે વિચારો, જે નિર્ણયો સ્થિર થાય છે તે ત્રિકાલાબાધિત હોય છે. તે ત્રણે કાળમાં સત્ય હોય છે. એ નિર્ણયો ફેરવવા ખુદ સમન્વેતા પણ સમર્થ નથી. કોઈ નવી દષ્ટિ સામે આવે ત્યારે બીજો એક નવો નિર્ણય થાય. પણ પૂર્વના નિર્ણયને આ નવો નિર્ણય ઉથાપી શકે નહિ. બન્ને નિર્ણયો એક સાથે સમબળે પ્રવર્તે છે. પર્યાય દૃષ્ટિએ કોઈ આત્માને અનિત્ય કહે તો તે સદાને માટે તે દૃષ્ટિએ અનિત્ય જ કહેવાનો. દ્રવ્યદૃષ્ટિવાળો પુરુષ આવીને આ પર્યાયદૃષ્ટિવાળાને કહે કે “ભાઈ, આત્મા તો નિત્ય છે.” તો પણ જવાબમાં તે એટલું કહેશે ‘ભાઈ, તેની હું ક્યાં ના પાડું છું ? પણ મને જેવો દેખાય છે તેવો હું કહી રહ્યો છું. તમને દેખાય તેવો તમે કહો. મને તેમાં વાંધો જ નથી.” આમ બન્ને નિર્ણયો સમાનબળે વર્તે છે, પણ તે સત્યની ભૂમિકા પર ઊભા હોય તો, અન્યથા નહિ. આમ બન્ને દૃષ્ટિઓ પોતપોતાની રીતે સત્યની શોધ કરે છે અને એ બન્નેની શોધો ત્રણે કાળમાં અબાધિત જ રહે છે.
લૌકિક અનેકાંતમાં આ દ્રવ્ય-પર્યાય દૃષ્ટિનો ઉપયોગ નથી. અહીં તો કાળષ્ટિની આસપાસ-ક્યારેક વ્યક્તિવાદ, ક્યારેક સમાજ-આજના નિર્ણયને કાલે ત્યાજ્ય ઠરાવી દે છે. આજે જે નિર્ણય થયો તે આજ માટે સાચો હોય, ઉચિત હોય, સત્ય હોય પણ એ જ નિર્ણયને આવતી કાલે ઠોકરે મારવામાં આવે છે. ગઈ કાલના નિર્ણયને કચરીને જ આજનો નિર્ણય ઊભો હોય છે. નવો નિર્ણય થયો એટલે જૂનો નિર્ણય રદ થઈ જાય છે. આમ હંમેશા પરિવર્તનમાં રાચવું એ આ અનેકાંતની વિલક્ષણતા છે. જો કોઈ પણ એક નિર્ણય પકડી રાખવાનો આગ્રહ કરવામાં આવે તો તે લૌકિક અનેકાંતની દૃષ્ટિમાં મિથ્યાવાદ જ ગણાય. એટલે પરિવર્તન, બસ પરિવર્તન એ જ કૃત્ય થઈ પડે છે. વ્યાવહારિક અનેકાંતનો પ્રદેશ તો એટલો બધો વિશાળ છે કે તેમાં જેમ ઊંડા ઊતરીએ અને જેમ જેમ તેના વિશે વધુ ને વધુ વિચાર કરતા જઈએ તેમ આપણને એ નવું ને નવું જ ક્ષેત્ર બતાવતો જાય છે. સમયનો પ્રવાહ જો અટકે અને તેનો અંત આવે તો આ લૌકિક અનેકાંતના પ્રદેશનો અંત આવે. આ સમયે અનેકાંત દૃષ્ટિએ અમુક આચાર વિશે એક નિર્ણય કર્યો, પણ આવતી કાલે સમયની ગતિ ફરી જવાથી અને નવું વાતાવરણ પેદા થવાથી તે બદલવો જ પડે છે અને તે પણ અનેકાંત દૃષ્ટિથી જ, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org