________________
૮૬. માથુરી સમન્વયવાદી વર્ગ છે એટલે તેનો દર્શનોમાં એક ત્રીજો વર્ગ ગણવો જોઈએ. આ રીતે આપણાં દર્શનોના ત્રણ વર્ગ પડે છે. આ ત્રણ વર્ગોમાં ભારતીય તો શું પણ વિશ્વના સમગ્ર દર્શનોનો સમાવેશ કરી શકાય એમ છે. | દર્શનોનું એક બીજી રીતે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. બાહ્ય જગતને વાસ્તવિક માનનાર એક વર્ગ છે, જ્યારે બીજો વર્ગ તેની વાસ્તવિકતાનો ઇન્કાર કરે છે. જે વર્ગ બાહ્ય જગતની વાસ્તવિકતાનો ઇન્કાર કરે છે તેને આપણે વિજ્ઞાનવાદીને નામે ઓળખી શકીએ અને જે વાસ્તવિકતાને સ્વીકારે છે તેને વાસ્તવવાદી કહીશું. વળી જડચેતનને આધારે પણ દર્શનોનું વર્ગીકરણ કરવું હોય તો એક વર્ગ એવો છે જે સંસારમાં મૌલિક પદાર્થરૂપે માત્ર જડને જ સ્વીકારનાર છે, જ્યારે બીજો વર્ગ માત્ર ચેતનને મૌલિક તત્ત્વરૂપે સ્વીકારે છે અને ત્રીજો વર્ગ એવો છે જે જડ-ચેતન બન્નેને મૌલિક તત્ત્વરૂપે સ્વીકારે છે. વળી આપણે ત્યાં તો ધર્મ અને દર્શન કાંઈ જુદા નથી એ દૃષ્ટિએ વિચારીએ તો જે દર્શનો મોક્ષને પરમપુરુષાર્થ માને છે તેનો એક વર્ગ અને જેને મતે પરલોક જેવું જ કશું નથી તો મોક્ષની તો વાત જ શી—એનો બીજો વર્ગ. આમ દર્શનધારાઓનું વિવિધ રીતે વર્ગીકરણ કરી શકાય છે.
આટલી વિચારણા ઉપરથી એક વસ્તુ તો ધ્યાનમાં સહજ આવી જાય છે કે દર્શનનું મુખ્ય કાર્ય વિવિધતામાં રહેલ એકતાને શોધવાનું છે અથવા તો કહો કે સપાટી ઉપર જે કાંઈ દેખાય છે તેને જ પરમતત્ત્વ ન માની લેતાં તેના મૂળમાં જવાનો પ્રયત્ન એ દર્શન છે. આથી જ એમ કહી શકાય કે સર્વવિઘાઓની વિદ્યા એ દર્શનવિદ્યા છે. શાસ્ત્ર કે વિદ્યા કોઈ પણ હોય પણ તેમાં મૌલિક તત્ત્વ શું છે, એ વિદ્યાની આધારશિલા શી છે એનો વિચાર કરવો એ જ દર્શનનું કામ છે. કાયદા આપણે ઘણા ઘડી કાઢીએ. પણ અત્યાર સુધી જે કાયદા ઘડાયા અને એના અનુભવે હવે જે કાયદા ઘડવાના જરૂરી હોય તે બધાની પાછળ કઈ દષ્ટિ કાર્ય કરી રહી છે તે શોધવાનું કાર્ય દર્શનનું છે. રાજનીતિના અનેક સિદ્ધાંતો નવા નવા શોધાય અને અમલમાં આવે, પણ એ બધાની પાછળ એક સુરાજ્યનું સળંગ તંતુ કર્યું છે એ શોધવાનું કાર્ય દર્શન કરે. ભૌતિક વિજ્ઞાનમાં શોધો ઘણી થાય, પણ એ બધી શોધોને એક સળંગ સત્રમાં બાંધી આપવાનું કાર્ય તો એક દાર્શનિક જ કરી શકે. અનેક કવિઓ કાવ્યરચના કરે છે તે પોત-પોતાના ચિત્તત્રને અનુસરીને, પણ એમાંથી કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોની તારવણી એ જ કાવ્યદર્શન કે કાવ્યશાસ્ત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org