________________
૨૮ • માધુરી જીવનો બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણ–એનું ચિત્ર રજૂ કરી જીવની રૂચિ સંસારથી હટાવી મોક્ષાભિમુખ કે નિર્વાણાભિમુખ કરવી એ જૈન સાહિત્યની નાની મોટી કૃતિનું ધ્યેય છે. એ ધ્યેયથી જે બહાર હોય તેને જૈન સાહિત્યની કોટિમાં સ્થાન ન હોઈ શકે–પછી ભલે તે જૈન આચાર્યની કૃતિ હોય. જૈન આચાર્ય લખે એટલે તે જૈન સાહિત્યમાં સમાવિષ્ટ ન થઈ શકે, પણ જૈન ધર્મ અને દર્શનને અનુકૂળ પદ્ધતિથી જો નિરૂપણ કરવામાં આવ્યું હોય તો જ તે ગ્રંથ જૈન સાહિત્યની સંજ્ઞાને પ્રાપ્ત કરી શકે છે.
આ દૃષ્ટિએ જોતાં જૈન આચાર્યોએ રચેલા ચરિતગ્રંથો એ જૈન પુરાણની સંજ્ઞા પામ્યા, અને તેમાં વૈદિકોના રામાયણ-મહાભારત અને બીજાં અનેક કથાનકો આવ્યાં છે; છતાં તે ગ્રંથો વૈદિક એટલા માટે જ ન કહેવાય કે તેમાં કથાતંતુમાં થોડું કે અધિક સામ્ય હોવા છતાં તેની દાર્શનિક કે ધાર્મિક પૃષ્ઠભૂમિ એ વૈદિક રહી નથી પણ શ્રમણ અથવા તેની એક દર્શન કે ધર્મની પૃષ્ઠભૂમિ પર રચવામાં આવી છે. આ કારણે જ જૈન રામાયણ એ રામચરિત છતાં તે વાલ્મીકિ રામાયણની જેમ સમાન ભાવે વૈદિકોને માન્ય થઈ ન શકે એ સ્વાભાવિક છે અને એ જ કારણે તે જૈન રામાયણ એવા નામથી પ્રસિદ્ધ થાય છે. આ જ વસ્તુ વિવિધ કાવ્યો કે મહાકાવ્યો વિશે પણ કહી શકાય. એટલે કે કથા કે કાવ્યવસ્તુ એકનું એક હોવા છતાં પૃષ્ઠભૂમિના ભેદને કારણે તેના જૈન-જૈનેતર એવા ભેદ પડી ગયા.
આવી જૈન પૃષ્ઠભૂમિના આધારે રચાયેલ સાહિત્ય તે જૈન સાહિત્ય છે અને તેની વિશાળતા અને વિવિધતાનો ખ્યાલ હજી વિદ્વાનોને પણ આવ્યો નથી. પરિચય જ જયાં નથી ત્યાં તે વિશેના અભ્યાસગ્રંથો કે મનન દ્વારા નિષ્પન્ન સ્વતંત્ર ગ્રંથો આધુનિક કાળને અનુરૂપ ક્યાંથી હોય ? આપણા જૈનાચાર્યો પોતાના કાળમાં એક કામ કરી ગયા. તેને પ્રકાશમાં લાવવાનું કાર્ય નવી પેઢીનું છે, પણ ખેદ છે કે નવી પેઢી એ તરફ ઉદાસીન છે.
એ સાહિત્યમાં જે જીવનમૂલ્યો છે તે આજની પ્રજાને અનુપયોગી હોય અને તે અંધારામાં રહે તો તો કાંઈ વાંધો નહિ, પણ ખેદ એટલા માટે છે કે આજે ગાંધીજીના યુગ પછી અહિંસાને જે વિશેષ મહત્ત્વ પ્રત્યેક ક્ષેત્રે મળ્યું છે તે અહિંસાથી જ અનુપ્રણિત એ સાહિત્ય છે અને તેથી તેની ઉપેક્ષા એ માનવસમાજ માટે હાનિકર છે.
જૈન યુગ ૧૯૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org