________________
૬. જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
જૈન સાહિત્ય સમારોહનું આ બીજું અધિવેશન છે. તેના પ્રમુખપદે મને બેસાર્યો છે, પણ મારાથી પણ વિશેષ યોગ્યતા ધરાવનારા વિદ્વાનો હોવા છતાં મને કેમ બેસાર્યો હશે તે વિચારું છું. ત્યારે મારા પ્રત્યેનો સંચાલકોનો અનુરાગ હશે એમ માનવા મન થાય છે. એ જે હોય તે પણ જ્યારે હવે મારે પ્રમુખપદે બેસવું જ છે તો તે સ્વીકારી સંચાલકોનો આભાર માનવાનું જ મારે માટે શેષ રહે છે. આભાર માની આગળ વધુ છું.
સમારોહની તારીખો નિશ્ચિત કરવામાં જો થોડો વધારે વખત વિદ્વાનોને આપવામાં આવે તો આવા સમારોહો સાર્થક બને એવો પૂરો સંભવ છે. આમ ન બને તો ઘણા વિદ્વાનોને આ સમારોહ માટે લખાણ તૈયાર કરવાનો પૂરો અવકાશ ન મળે અને તેને કા૨ણે ઉચ્ચસ્તરના નિબંધો આપણને ન મળે તે સહજ વાત છે. બીજાની શી વાત કરું; મારે પણ આ ભાષણની તૈયારી જે પ્રકારની કરવી હતી તેને માટે પૂરો અવકાશ મળ્યો નથી. તેથી આમાં ક્ષતિ હોય તે નિભાવી લેવા વિનંતિ કરું તો અસ્થાને નહીં લેખાય.
જૈન સાહિત્યને જ્યારે આપણે અન્ય સાહિત્યથી જુદું પાડીએ છીએ ત્યારે તે શાથી ? આ પ્રશ્ન છે. આનો ઉત્તર એ છે કે ભારતીય સાહિત્યમાં વેદથી માંડીને જે સાહિત્ય રચાયું છે તેમાં જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે અન્ય સાહિત્ય—વિશેષે ધાર્મિક સાહિત્ય વેદમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે. જ્યારે તેને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ તેનો પ્રારંભ જ વેદના પ્રામાણ્યના વિરોધને કારણે થયો છે.
આ વિરોધ પ્રારંભમાં બે રીતે પ્રકટ થાય છે. એક તો ભાષાને કારણે અને બીજો પ્રતિપાદ્ય વસ્તુને કારણે.
વૈદિક સાહિત્યની ભાષા જે શિષ્ટમાન્ય સંસ્કૃત હતી તેને બદલે જૈન સાહિત્યનો પ્રારંભ પ્રાકૃત એટલે કે, લોકભાષાથી થયો. વેદોએ અને તેની ભાષાએ ‘મંત્ર’નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશો ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org